જાણો અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘શક્તિ’ની લેટેસ્ટ અપડેટ.. | મુંબઈ સમાચાર
અમદાવાદ

જાણો અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘શક્તિ’ની લેટેસ્ટ અપડેટ..

અમદાવાદ: અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ વધુ તીવ્ર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે. 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. અરબ સાગરમાં સર્જાયેલ “શક્તિ” વાવાઝોડું છેલ્લા ૬ કલાકમાં ધીમે ધીમે ૧૫ કિમી/કલાકની ઝડપે ઓમાનના દરિયાકિનારા તરફ જઈ રહ્યું છે અને ૪થી ઓક્ટોબરની રાત્રે તે ઓમાનના એક વિસ્તારથી આશરે ૩૨૦ કિલોમીટર દૂર હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ‘શક્તિ’ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને આજે, ૫મી ઓક્ટોબરની સાંજ સુધીમાં, તે ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચશે. ત્યારબાદ, તે યુ-ટર્ન (Recurve) લેશે અને ૬ઠ્ઠી ઓક્ટોબર, ૨૦૨૫ના સવારથી લગભગ પૂર્વ દિશા તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે, જેને શ્રીલંકા દ્વારા ‘શક્તિ’ નામ આપવામાં આવ્યું છે. જે ભારતીય કિનારાઓથી દૂર જશે, પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જો કે શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહિવત્ અસર જોવા મળશે. તેમ છતાં, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 6 ઓક્ટોબરે વાવાઝોડું ગુજરાત તરફ યુટર્ન લેશે. દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 8 ઓક્ટોબર દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત નવસારી વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

શનિવારે સવારે 8:30 કલાકે તે ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર કેન્દ્રિત હતું. ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના દરિયામાં કરન્ટ જોવા મળ્યો હતો. ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘શક્તિ’ છેલ્લા 6 કલાક દરમિયાન 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. જેને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ગતિ 95-105 કિલોમીટર પ્રતિ કલાકની છે, જે વધીને 115 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ પવનની ગતિ 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ મહત્તમ તીવ્રતા આગામી 24 કલાક સુધી જળવાઈ રહેવાની સંભાવના છે.

4થી 7 ઓક્ટોબર દરમિયાન ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઝાટકા સાથે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જોકે આ વાવાઝોડું દરિયામાં જ ગહન બનીને આગળ વધશે, પરંતુ એની અસર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર અનુભવાશે.

હવામાન નિષ્ણાતોના મતે, આ સિસ્ટમ ફરી ગુજરાત તરફ આવશે અને 6થી 7 ઓક્ટોબરના રોજ દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરશે, જેના કારણે રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ આવશે. દરિયાકિનારા પર 6 અને 7 ઓક્ટોબરના રોજ ભારે પવન અને વરસાદની શક્યતા છે.

આપણ વાંચો:  વેકેશન પૂરું! ગીરમાં સિંહ દર્શન એક અઠવાડિયું વહેલા શરૂ થશે, જાણો શું છે કારણ?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button