ભીલ પ્રદેશની માંગ પર બોલ્યા કુબેર ડિંડોર; “આપણે ઘર ચલાવી શકતા નથી અને…
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગ વચ્ચે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે, ચૈતર વસાવા તો છેતર વસાવા છે તેમનાથી કોઈ ભરમાશો નહીં. વડાપ્રધાન મોદીને રજૂઆત કરી અલગ ભીલ પ્રદેશ તો કાલે બનાવી દઇએ પણ તેને ચલાવીશું કઇ રીતે. તેના માટે રેવન્યુ ક્યાંથી લાવીશું? પ્રાંતવાદમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનની હાલત શું છે તે તમે જોઈ શકો છો.
દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી
શુક્રવારે રાજપીપળાની એક સ્કૂલના વાર્ષિકોત્સવમાં સહભાગી થયેલા રાજ્યના શિક્ષણપ્રધાન કુબેરભાઈ ડિંડોરે કહ્યું હતું કે, કેટલાક લોકો પ્રાંતવાદ અને જાતિવાદ ફેલાવવાની વાત કરી રહ્યા છે. યુવાનોએ આવા લોકોથી ભ્રમિત થવું નહીં. રાજકારણમાં પણ અનામતનો અમલ થઇ રહ્યો છે. ગ્રામપંચાયતના સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્યો પણ આદિવાસી છે. હું પણ આદિવાસી છું અને આ દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી છે.
આ પણ વાંચો : Uttarayan 2025 : અમદાવાદ પોલીસ એકશન મોડમાં, જાહેરનામાના ભંગ બદલ 49 લોકોની ધરપકડ…
શિક્ષણપ્રધાને ઉમેર્યું હતું કે,
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેતર વસાવા છે. તે લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે. તે અલગ ભીલ પ્રદેશની માંગણી કરે છે અને કેવડિયાને રાજધાનની બનાવવાની વાત કરે છે. અલગ ભીલ પ્રદેશ તો અમે અને મનસુખ વસાવા વડાપ્રધાન મોદીને મળીને કાલે જાહેર કરાવી દઇએ. પરંતુ શાસનને ચલાવવા રેવન્યુ ક્યાંથી લાવવાની? આપણે કેટલા લોકો ટેક્સ ભરીએ છીએ? 140 કરોડ લોકોમાંથી માત્ર 8 કરોડ લોકો જ ટેક્સ ભરે છે. આદિવાસી સમાજના લોકો ક્યાં ઉદ્યોગપતિઓ છે? પ્રાંતવાદના નામે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ થયા છે જુઓ આજે તેમની શું સ્થિતિ છે.
ઘર ચલાવી શકતા નથી ને
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી ઉદ્યોપતિઓ અને કર્મચારીઓ પાસેથી ટેક્સ લઇને ગરીબો માટેની યોજનાઓ અને શિક્ષણ માટે ખર્ચ કરી રહ્યા છે. આપણે તો ઘર ચલાવી શકતા નથી ને અલગ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે. બધી વ્યવસ્થા દેશ અને રાજ્યની સરકાર દ્વારા કરાઇ છે. પરંતુ કેટલાક લોકો પોતાનો રાજકીય રોટલો શેકવા જનતાને ભ્રમિત કરી રહ્યા છે.