અમદાવાદના કોચરબ આશ્રમમાં લગ્ન સમારંભે જગાવ્યો વિવાદ, કૉંગ્રેસે કરી ટીકા…

અમદાવાદઃ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમમાં ઘોંઘાટીયા ડીજે સાઉન્ડ અને નાચગાન સાથેના લગ્ન-સમારંભના વાયરલ વીડિયોએ વિવાદ જગાવ્યો હતો. વર્ષ 1915માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલો આ પહેલો આશ્રમ હતો. ગાંધીજીના મૂલ્યો અને આશ્રમની પવિત્રતતાને ધ્યાનમાં રાખી ત્યાં યોજાયેલો આ સમારંભ ભારે વિવાદોમાં ઘેરાયો છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આ લગ્ન સમારંભ આશ્રમ સાથે જોડાયેલા સ્ટફના પરિવારનો હતો. કોચરબ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સંચાલિત છે. જોકે આ સમારંભ માટે પરવાનગી હતી કે નહીં તે મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રાષ્ટ્રીય સ્તરે અતિ મહત્વની આ હેરિટેજ સાઈટનો આ રીતે ઉપયોગ થતો હોવાથી વ્યથિત એક સ્થાનિકે આ વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વીડિયો વાયરલ થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઘટના માત્ર ભૂલ નથી પરંતુ ગાંધીવાદી વારસા પ્રત્યે અવગણના દર્શાવે છે. આ કોઈ વહીવટી ભૂલ નથી. આવી પ્રવૃત્તિઓ જાણી જોઈને કરવામાં આવી હોય તેવું લાગે છે. ગુજરાત અને દેશભરમાં મહાત્મા ગાંધીના વારસા અને વિચારધારાને નબળી પાડવાના વારંવાર પ્રયાસો થઈ રહ્યા છે, તેવો આક્ષેપ પણ દોશીએ કર્યો હતો.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આપણે નવી હેરિટેજ સાઈટ વિકસાવી તો શકતા નથી, પરંતુ જે છે તેની જાળવણી તો કરવી જ જોઈએ.આશ્રમમાં લગ્નનું આયોજન કરવા માટે સત્તાવાર પરવાનગી આપવામાં આવી હતી કે કેમ તે અંગે હવે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
સામાન્ય રીતે, આશ્રમનો પરિસર ફક્ત પ્રાર્થના સભાઓ અથવા શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ભાડે આપવામાં આવે છે. જો આ કાર્યક્રમ મંજૂરી વિના યોજાયો હોય, તો તે ગંભીર ઉલ્લંઘન ગણી શકાય, જો પરવાનગી આપવામાં આવી હોય, તો પણ ટીકાપાત્ર હોવાનું લોકો જણાવી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં પણ નારાજગી જોવા મળી છે અને જવાબદારો સામે પગલાં લેવાની માગણી થઈ રહી છે.



