અમદાવાદમાં ભાજપના કયા ધારાસભ્યએ નમો આવાસ યોજના બીજે ખસેડવા કરી માંગ?

અમદાવાદઃ દેશમાં ગરીબો અને મધ્યમ વર્ગના લોકોના ઘરનું સપનું સાકાર થાય તે માટે મોદી સરકાર આવાસ યોજના ચલાવે છે. આ યોજના અંતર્ગત અમદાવાદના ઈસનપુરમાં ટેન્ડર મંજૂર થઈ ગયા બાદ સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરે લોકોના નામે તેને અન્યત્ર ખસેડવાની રજૂઆત કરતાં ભાજપ અને મ્યુનિસિપલ કોર્પેોરેશનમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
સૂત્રો મુજબ, વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત ઈસનપુરમાં ટીપી સ્કીમ 55 અંતર્ગત મ્યુનિસિપલ કોર્પેરશનને ફાઈનલ પ્લોટ નંબર 173 મળ્યો છે. જે આવાસ યોજના માટે છે. આ પ્લોટ આવાસ યોજના માટે રિઝર્વ હોવાથી ત્યાં 311 આવાસ સાથે એલઆઈજી સ્કીમ અંતર્ગત ટેન્ડ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 55.28 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું હતું.

પરંતુ કોઈ કારણસર મણીનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને ઈસનપુરના કોર્પોરેટર શંકરભાઈ ચૌધરીએ મધ્યમવર્ગ માટેના આવાસ યોજનાની કામગીરી શરૂ થય તે પહેલા પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલ સાથેની કોર્પોરેટર-ધારાસભ્યોની બેઠકમાં આડકતરી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ બંનેએ યોજનાને અન્યત્ર ખસેડવાની માંગણી કરતા બેઠકમાં ઉપસ્થિત તમામ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પીએમ મોદીની આવાસ યોજના માટે રિઝર્વ પ્લોટ હોવા છતાં ત્યાં હોલ પાર્ટી પ્લોટ બનાવવાની અને સ્થાનિકોનો વિરોધ હોવાની વાત કરવામાં આવી હતી.
જો યોજના અન્યત્ર ખસેડવી હોય તો કેટલી માથાકૂટ કરવી પડેઅને ખર્ચમાં વધારો થાય તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલાં ધારાસભ્યને ખબર જ હોય તેમ છતા આ પ્રકારની રજૂઆત કરે તે કેટલા અંશે વાજબી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત સૂત્રોએ કહ્યું કે, મ્યુનિસિપલના અનેક કામોમાં ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટરો વિવિધ બહાના કાઢીને રોડા નાખે છે. અમુક કોર્પોરેટરો તેમના વિસ્તારમાં ગરીબ આવાસ યોજના બને તેની સામે આડકતરી રીતે વિરોધ કરતા હોય છે. આ બધી બાબતો ભાજપ નેતાગીરીને ધ્યાનમા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કડક પ્રભારીની ગેરહાજરી સાલી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…ભુજમાં પીએમ આવાસ યોજનામાં ₹ 40,000ની લાંચ લેતા ગ્રામસેવક ઝડપાયો, આસિસ્ટન્ટ ફરાર



