
અમદાવાદઃ જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પહોંચતા જ વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંસુમન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન ચાન્સેલર મેર્ઝે ગાંધીજીના જીવન અને આદર્શો વિશે જાણકારી મેળવી હતી. તેમણે આશ્રમમાં મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાતા ચરખાને ખૂબ જ કુતૂહલપૂર્વક નિહાળ્યો હતો અને આ મુલાકાત અંગેના પોતાના અનુભવો વિઝિટર બુકમાં નોંધ્યા હતા.

જર્મન ચાન્સેલરે વિઝિટર બુકમાં લખ્યું, મહાત્મા ગાંધીજીનો આઝાદીની શક્તિ અને દરેક વ્યક્તિની ગરિમામાં જે દ્રઢ વિશ્વાસ હતો, તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમનો આ અમૂલ્ય વારસો આજે એવી દુનિયામાં ભારતીયો અને જર્મનોને એક કરે છે, જેને ગાંધીજીના વિચારોની પહેલા કરતાં આજે વધુ જરૂર છે.
ગાંધી આશ્રમની મુલાકાત બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે આ મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. બંને નેતાઓએ રિવરફ્રન્ટ પર ઉમટી પડેલા પતંગબાજો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોના અદભૂત દ્રશ્યોને નિહાળ્યા હતા. મોદી અને જર્મન ચાન્સેલરે હર હર મોદી ઘર ઘર મોદી અને ભારત-જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો હતો. બંને નેતાઓએ ખુલ્લી જીપમાં જઈને તમામ પતંગબાજોને મળીને તેમની સાથે પતંગ ચગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખાય છે, તેની સ્થાપના 1917માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. 1917 થી 1930 સુધી તે ગાંધીજીનું નિવાસસ્થાન હતું અને ભારતની આઝાદીની લડતના મુખ્ય કેન્દ્રોમાંના એક તરીકે સેવા આપી હતી.
ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે દ્વિપક્ષીય બેઠકો યોજાશે, જ્યાં બંને નેતાઓ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.



