અમદાવાદટોપ ન્યૂઝ

ચંડોળા તળાવમાંથી કેટલા બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા? પોલીસ કમિશનર જીએસ મલિકે શું કહ્યું…

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ. અમદાવાદ પોલીસના કહેવા પ્રમાણે, ચંડોળા તળાવમાંથી 190 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.તેઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાંથી કુલ કેટલા ઘૂસણખોર ઝડપાયા
અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે કહ્યું, પોલીસે શહેરમાં વિવિધ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી હતી. અમદાવાદના ચંડોળા તળાવમાંથી 190, સોલામાંથી 6, ઓઢવામાંથી 2 મળી કુલ 198 બાંગ્લાદેશી ઝડપાયા હતા. માર્ચ મહિનામાં પણ 12 બાંગ્લાદેશી પકડાયા હતા. ચંડોળા તળાવ વિસ્તારમાં 2009માં 95 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. આ ઉપરાંત અહીં બાંગ્લાદેશીઓને આશ્રય આપતાં લલ્લુ બિહારીન પણ રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેમણે કહ્યું, હાલ ચંડોળા વિસ્તારમાં ફેઝ-1ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બીજા તબકકાના ડિમોલિશનની ચર્ચા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, કોઈ પણ તળાવ પર દબાણ થઈ શકશે નહીં. આઈબી હાલ તપાસ કરી રહી છે, જેનો રિપોર્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારને આપશે. ત્યારબાદ જે લોકો ઝડપાયા છે તેને ડિપોર્ટની કાર્યવાહી કરાશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના સૌથી મોટા ડિમોલિશનના નામે ચંડોળા તળાવમાં 29 અને 30 એપ્રિલના રોજ 4000 જેટલા ઝૂંપડા, નાના-મોટા મકાનો તોડવામાં આવ્યા હતા અને 1.50 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

ચંડોળા તળાવને સાત તબક્કામાં વિકસાવવામાં આવશે
કાંકરિયા તળાવની જેમ ચંડોળા તળાવ પર ડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ ચંડોળા તળાવમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે અને કાંકરિયા જેવો વિકાસ કરવામાં આવશે. આ કાર્ય માટે અમદાવાદ મનપા દ્વારા 2024માં જ મંજુરી આપી દેવામાં આવી હતી. દાણીલીમડા અને ઇસનપુરની વિસ્તારમાં ફેલાયેલું સૌથી મોટું તળાવ છે જે અંદાજે 1,200 એકરની જગ્યામાં ફેલાયેલું છે. ડેવલપમેન્ટની કામગીરી કુલ સાત ફેઝમાં કરવામાં આવશે.

આપણ વાંચો : ચંડોળામાં મેગા ડિમોલિશનઃ ઝૂંપડા ખાલી નહીં કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવાની ચેતવણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button