ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી, જાણો અમદાવાદમાં આ વર્ષે કેટલા લાંચિયા ઝડપાયા

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી હોય તેમ એન્ટી કરપ્શન બ્યુરો સપ્તાહમાં બે થી ત્રણ લાંચિયા લોકોને ઝપેટમાં લઈ રહ્યું છે. ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતના ગુલબાંગો વચ્ચે સરકારી કચેરીઓમાં પૈસા આપ્યા વગર લોકોના કામ થતા ન હોવાનું ચિત્ર સામે આવ્યું છે. અમદાવાદમાં ચાલુ વર્ષે 30થી વધુ લાંચિયા લોકો ઝડપાયા છે.
છેલ્લા આઠ વર્ષમાં ઉચ્ચ અધિકારીઓથી માંડીને વર્ગ 4ના કર્મચારીઓ, વચેટીયા મળી કુલ 9 કરોડની લાંચ લીધી હોવાનું એસીબીના રિપોર્ટમાં સામે આવ્યું હતું. જે ગુજરાતમાં એક પણ રૂપિયો આપ્યા વગર કામ થતા ન હોવાની કડવી વાસ્તવિકતા ઉજાગર કરે છે.
એસીબીએ છટકું ગોઠવીને કેન્દ્રના કુલ 1224 તથા ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ તથા વર્ગ 4 સહિતના કુલ 3517 સરકારી કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. 31 ઓક્ટોબર, 2025 સુધીમાં ગૃહ વિભાગમાં સૌથી વધુ ઉચ્ચ અધિકારી તથા પોલીસ કોન્સ્ટેબલ સહિત 682 કર્મચારીઓ ઝડપાયા હતા.
અમદાવાદ શહેરમાં એસીબીએ 2018માં 19 ટ્રેપથી 38 લાંચિયાને ઝડપ્યા હતા. 2019માં 26 ટ્રેપથી 45 લાંચિયા, 2020માં 5 ટ્રેપથી 18 લાંચિયા, 2021માં 11 ટ્રેપથી 16 લાંચિયા, 2022માં 16 ટ્રેપથી 24 લાંચિયા, 2023માં 22 ટ્રેપથી 28 લાંચિયા, 2024માં 29 ટ્રેપથી 66 લાંચિયાને ઝડપ્યા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 35 લાંચિયા બાબુઓને ઝડપવામાં આવ્યા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે લોકોમાંથી ફરિયાદ મળે એટલે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવે છે. જે બાદ તેની પ્રેસ નોટ જાહેર કરીને પબ્લિસિટી કરાય છે. લોકોમાં એવી ચર્ચા છે કે પગારથી સંતોષ ન હોય તેમ બેફિકર બની લાંચ લેતા 3517 લાંચિયા પકડાયા છે તો લાંચ નહીં લેતા લોકોની સંખ્યા કેટલી મોટી હશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પાટણમાં યુજીવીસીએલનો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો હતો. તે સમી યુજીવીસીએલમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. એસીબીએ છટકું ગોઠવીને તેને રંગહાથે ઝડપી પાડ્યો હતો. ફરિયાદીએ પોતાના ખેતરમાં વીજ જોડાણ માટે અરજી કરી હતી. જેથી આ વીજ જોડાણ આપવા માટે આરોપી જુનિયર એન્જિનિયર ચિંતન પટેલે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહોતા. જેથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ફરિયાદના આધારે એસીબીએ આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 50 હજાર રૂપિયા સ્વીકારતાં રંગેહાથે ઝડપાયો હતો. આરોપી જુનિયર એન્જિનિયરને એસીબીએ ડિટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



