
અમદાવાદઃ હાલ સોનાનો ભાવ આસમાને આંબી ગયો છે. લગ્નની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં ખરીદદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. લોકો માત્ર શુકન કે વ્યવહાર પૂરતું જ સોનું ખરીદી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં ભારતની સોનાના દાગીનાની માંગમાં વૈશ્વિક સ્તરે સૌથી મોટો 31 ટકા ઘટાડો નોંધાયો હતો.
આ ઘટાડાની ગુજરાતના જેમ્સ અને જ્વેલરી બજારો પર નોંધપાત્ર અસર જોવા મળી હતો. ઉપલબ્ધ એર કાર્ગો ડેટા મુજબ, જુલાઈ અને ઓગસ્ટમાં ગુજરાતમાં સોનાની આયાત 85 ટકા જેટલી ઘટી હતી. સોનાના ઊંચા ભાવને કારણે તહેવારોની ટોચની સીઝન અને લગ્નની સીઝનની તૈયારીઓ દરમિયાન પરિવારોએ હળવા વજનના અને ઓછા કેરેટના દાગીના પસંદ કર્યા હતા.
WGC અનુસાર, ભારતમાં 2020 પછી આ સૌથી નબળો ત્રીજો ક્વાર્ટર રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન વપરાશ ઘટીને 118 મેટ્રિક ટન થયો હતો. આનું કારણ એ હતું કે ક્વાર્ટર દરમિયાન સોનાના ભાવ ₹ 1.20 લાખ પ્રતિ 10 ગ્રામને વટાવી ગયા હતા. સૂત્રોનું કહેવું છે કે જુલાઈ અને ઓગસ્ટમાં ખરીદદારોની સંખ્યા ઘટી ગઈ હતી.
નબળા રૂપિયાના કારણે વધેલા ભાવે પરંપરાગત 22-કેરેટ અને ભારે 24-કેરેટના દાગીના સામાન્ય લોકોની પહોંચની બહાર કરી દીધા હતા. પરંપરાગત અને વધુ નક્શીદાર 24-કેરેટની ડિઝાઇનની માંગમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હળવા વજનના અને લોકપ્રિય બની રહેલા 18-કેરેટના દાગીનાની માંગ પ્રમાણમાં સારી રહી.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ધનિક પરિવારોએ મોંઘા દાગીનાની ખરીદી ચાલુ રાખી, પરંતુ એકંદરે બજારનો માહોલ મંદ રહ્યો હતો. રિટેલરોએ તેમનો નફાનો માર્જિન જાળવી રાખવા માટે શુદ્ધ સોનાની વસ્તુઓ અને એનામલ તથા રત્ન સાથેની મોંઘી ડિઝાઇનોનું જોરશોરથી પ્રમોશન કર્યું, પરંતુ મોટા ભાગના ગ્રાહકોએ તેમના જૂના દાગીના બદલવાનું અથવા નવી ખરીદી મોકૂફ રાખવાનું પસંદ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બરમાં જ ગતિ જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં ભાવ લગભગ દર બીજા દિવસે વધી રહ્યા હતા અને ઊંચા ટેરિફ તથા વધતા ભૌગોલિક રાજકીય તણાવના કારણે સ્થાનિક દરો વધુ ઊંચા ગયા, જેનાથી આ ક્વાર્ટરમાં સાવચેતીભર્યું ખરીદીનું વાતાવરણ રહ્યું હતું.. ગ્રાહકોમાં સિક્કા અને લગડી તરફ સ્પષ્ટ ઝુકાવ જોયો હતો. ઘણા ગ્રાહકોને લાગ્યું કે તેઓએ ભાવ વધારાની તક ગુમાવવી ન જોઈએ અને ભારે જ્વેલરી કરતાં રોકાણની નજીક હોય તેવી વસ્તુ પસંદ કરી હતી.
આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, લગ્નની સીઝન હોવા છતાં, પરંપરાગત 22-કેરેટ અને ભારે ડિઝાઇનવાળા દાગીનાની માંગ અસામાન્ય રીતે નબળી રહી છે. બજારને 14- અને 18-કેરેટની જ્વેલરીએ ટેકો આપ્યો છે. જ્યાં નવીન ડિઝાઇન અને ઓછી કિંમતની વસ્તુઓ માંગની દ્રષ્ટિએ થોડી રાહત આપે છે. ઉપરાંત ખરીદીનો મોટો હિસ્સો એક્સચેન્જ દ્વારા થઈ રહ્યો છે, જેમાં લોકો નવા દાગીનાની ઊંચી કિંમત ઘટાડવા માટે જૂનું સોનું લાવી રહ્યા છે.
આ પણ વાંચો…ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં એક ટકાનો ઉછાળો



