![kartik patel arrested in khyati scandal](/wp-content/uploads/2025/01/khyati-scandal-investigation.jpg)
અમદાવાદઃ શહેરના એસજી હાઇવે ઉપર આવેલી ખ્યાતિ હૉસ્પિટલમાં ગત 11મી નવેમ્બર 2024ના રોજ બે દર્દીઓના મોત થતા પરિવારજનો દ્વારા વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવની ગંભીરતા જોતા સમગ્ર કેસ વસ્ત્રાપુર પોલીસ મથકમાંથી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખ્યાતિ હૉસ્પિટલમાં અનેક ગેરરીતિઓ થયા હોવાની શંકાના આધારે તપાસ થઈ હતી. દરમિયાન ખ્યાતિ હૉસ્પિટલમાં નિર્દોષ વ્યકિતઓને ખોટી બીમારી બતાવીને એન્જિયોપ્લાસ્ટી કરનારા આરોપી તબીબો સામેનો કેસ ગ્રામ્ય કોર્ટે સેશન્સ કમિટ કરવા આદેશ કર્યો હતો.
Also read : ખ્યાતિ બાદ વધુ એક હૉસ્પિટલ વિવાદમાં, આયુષ્માન યોજનામાં કર્યું 18 લાખનું કૌભાંડ
કાર્તિક પટેલ ચાર્જશીટ કરવામાં હજુ કેમ વાર લાગશે?
ખ્યાતિ હૉસ્પિટલના ડાયરેકટર સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, મિલિન્દ પટેલ, અને પંકીલ પટેલને ગ્રામ્ય કોર્ટે 5600 પાનાની ચાર્જશીટની નકલો આપી હતી. તેમને સેશન્સ કોર્ટમાં કેસ લડવા માટે વકીલો રોકવા સમયની માગણી કરી હતી. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે કાર્તિક પટેલ મોડેથી પકડાયો હોવાથી તેની સામેનું ચાર્જશીટ કરવામાં હજુ વાર છે.
ક્રાઇમ બ્રાન્ચે કરેલા 5670 પાનાના ચાર્જશીટમાં ખ્યાતિ હૉસ્પિટલના આઠ આરોપી તબીબોની ભૂમિકા અંગે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. તે દરમિયાન તમામ આરોપીઓને જેલમાંથી ગ્રામ્ય કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં 122 સાક્ષીઓના નિવેદન લીધા હોવાની રજૂઆત કરાઈ હતી. પરતું કેટલા લોકોએ સારવાર લીધી અને કેટલાના મોત થયા તે અંગે ચાર્જશીટમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. સેશન્સ કોર્ટમાં હવે હૉસ્પિટલમાંથી કબજે લીધેલી ફાઇલ, 11 રજિસ્ટર, આયુષ્યમાન કાર્ડની ઓફિસના દસ્તાવેજો, ખાનગી વીમા કંપનીઓના દસ્તાવેજો વગેરે પણ ચાર્જશીટ સાથે જોડવામાં આવ્યા છે.
Also read : ST કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નોકરી દરમિયાન મૃત્યુ થાય તો મળશે આટલા લાખની સહાય
ક્રાઇમ બ્રાન્ચે હૉસ્પિટલમાંથી મેળવેલા ઓડિટ રિપોર્ટને પણ ચાર્જશીટ સાથે જોડયો છે. ચાર્જશીટમાં ખરેખર કેટલા લોકો મૃત્યુ પામ્યા તે અંગે કોઇ આંકડો રજૂ કરાયો નથી. કેટલા લોકોના મેજીસ્ટ્રેટ સામે 164 હેઠળ નિવેદન લેવાયા છે તેને ચાર્જશીટ સાથે જોડીને કેસના તમામ પેપર સેશન્સ કોર્ટને મોકલી આપવામાં આવશે.