ખ્યાતિ કાંડઃ સીઈઓ ચિરાગ રાજપૂત પ્રાઇવેટ તબીબોને ધમકાવતો, બીજો શું થયો ઘટસ્ફોટ
અમદાવાદઃ ખ્યાતિ હૉસ્પિટલના સીઇઓ ચિરાજ રાજપૂતની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ચિરાગે પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે, તે અને કાર્તિક પટેલ બંને નાની હૉસ્પિટલના તબીબોના માઇનસ પોઇન્ટ શોધીને ધમકી આપી દર્દીઓને તેમની હૉસ્પિટલમાં રિફર કરતા હતા. જો કોઇ ખાનગી તબીબ ચિરાગ કે કાર્તિકની વાત માનવાનો ઇનકાર કરે અને અન્ય હૉસ્પિટલમાં દર્દી મોકલે તો તેનું નામ મેળવીને પીએમજેએવાય યોજનામાં કોઈપણ સર્જરી માટે પરમિશન આવે એટલે ત્યાંથી રિજેક્ટ કરાવવામાં આવતી હતી.જેથી ખાનગી તબીબોએ ચિરાગ અને કાર્તિક પટેલના તાબે થવું પડતું હતું.
ખ્યાતિ હૉસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની પીએમજેએવાય કૌભાંડ કેસમાં ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચ રિમાન્ડ મેળવીને પૂછપરછ કરી રહી છે. જેમાં અનેક ઘટ્શોટ થયા હતા. ચિરાગ રાજપૂત નાની હૉસ્પિટલો અને દવાખાના ચલાવતા હોય તેવી પ્રાઇવેટ તબીબોને ધમકીઓ આપીને તેમના દર્દીઓને ખ્યાતિ હૉસ્પિટલમાં સર્જરી માટે રિફર કરાવતો હતો. આટલું જ નહીં ખાનગી તબીબ અન્ય હૉસ્પિટલમાં દર્દીઓ મોકલે તો ચિરાગ અને કાર્તિક ભેગા મળીને પીએમજેએવાયના ડો. શૈલેષ આનંદ મારફતે સર્જરી માટેની તમામ પરમિશન રદ કરાવી દેતા હતા. ચિરાગ રાજપૂત, કાર્તિક પટેલે સાથે મળીને શૈલષ આનંદ, નિખિલ પારેખ સહિતના એજન્ટોને શું શું ગિફ્ટો આપી તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…અમદાવાદની શાન સાબરમતી બની ગઈ છે મોતની નદીઃ વર્ષે આટલા મૃતદેહો મળે છે
કેસ કઈ રીતે પ્રકાશમાં આવ્યો હતો?
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.