Khyati Hospital કાંડમાં મોટો ખુલાસો, PM-JAYના સ્ટાફની બેદરકારી પણ કારણભૂત

અમદાવાદ : અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ(Khyati Hospital) કાંડમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસની તપાસ હાલ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. જ્યારે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ બાદ અનેક નવી વિગતો મળી રહી છે. આ સમગ્ર કાંડમાં હોસ્પિટલ સત્તાવાળાની સાથે સાથે હવે રાજ્યના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં સમગ્ર મામલે આરોગ્ય વિભાગ જાણતું હતું છતાં કોઇ પગલાં લીધા ન હતા.
PM-JAYના જનરલ મેનેજરની બેદરકારી
આ સમગ્ર કાંડમાં મળતી માહિતી મુજબ PM-JAYના કલેમ ચૂકવતી ખાનગી કંપનીએ ચોંકાવનારી કબુલાત કરી છે. જેમાં વર્ષ 2023 અને 2024માં આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરાઈ હતી. ખ્યાતિ હોસ્પિટલમાં PM-JAY યોજના હેઠળ ભ્રષ્ટાચાર થતો હોવાની રજુઆત આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓના રેકોર્ડ પણ મોકલવામાં આવ્યા હતા. ત્યારે PM-JAYના જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદે આ બંને અરજીઓ પર ધ્યાન આપ્યું ન હતું તેમજ હેલ્થ વિભાગને પણ કોઈ માહિતી પહોંચાડી ન હતી.
આ પણ વાંચો…Ahmedabadમાં હેલ્થ વિભાગનો સપાટો, ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ બદલ અનેક એકમો સીલ કરાયા
આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઈમ બ્રાન્ચના રડારમાં
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલકાંડમાં PM-JAY યોજના હેઠળ ખોટી રીતે ઓપરેશન કરી લીધાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને પછી એવું ષડ્યંત્ર પણ બહાર આવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાંથી ખોટી રીતે અનેક લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઈમ બ્રાન્ચના રડારમાં હતા. અંતે ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી લીધી હતી.
નકલી આયુષ્માન કાર્ડ બનાવતી ગેંગ સાથે સંડોવણી
આ કેસમાં આરોગ્ય વિભાગના 2 કર્મચારીઓની પૂછપરછ હાલમાં ચાલુ છે. જેની ધરપકડ થઈ તે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. આ દરમિયાન મોટો ખુલાસો એ પણ થયો છે કે 10 દિવસ પૂર્વે ખોટી રીતે આયુષ્માન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી. મિલાપ પટેલ તે ગેંગ સાથે પણ સંડોવાયેલો છે તેવું પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવ્યું છે