અમદાવાદ

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલનાં 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર

અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ પીએમજય કૌભાંડ મામલે આરોપી કાર્તિક પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્ત્વનાં 8 મુદ્દે 14 દિવસનાં રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટે આરોપી કાર્તિક પટેલના  11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નિમેશ ડોડિયા નામના આરોપી સાથે મળીને કાર્તિકે બનાવેલા પીએમજય કાર્ડની માહિતી માટે રિમાન્ડની માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના ઘરેથી મળ્યો દારૂ…

આ મામલે ક્રાઇમ બ્રાન્ચે કહ્યું હતું કે કાર્તિક પટેલે અન્ય હોસ્પિટલમાંથી પણ કમિશનની લાલચ આપીને 50થી વધુ વયના દર્દીઓને લાવવા માટે કયા-કયા ડૉક્ટર્સના સંપર્કમાં હતો એ બાબતે તપાસ જરૂરી છે. આરોપી કાર્તિક પટેલ દ્વારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં પીએમજય કાર્ડ બનાવવા મામલે સંડોવણી છે કે કેમ? તે અંગે પણ પૂછપરછ જરૂરી છે.

આ પણ વાંચો: Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલમાં ભૂતકાળમાં સર્જાયો હતો આ કાંડ, દર્દીનું થયું હતું મોત

કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે કહ્યું હતું કે પીએમજય યોજના સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓ સાથે સંડોવણી છે કે કેમ? તે અંગે આરોપીને હાજર રાખી તપાસ માટે રિમાન્ડ જરૂરી છે. ખ્યાતિકાંડ એક સિસ્ટમેટિક અને ઇકોનોમિક કૌભાંડ હોવાથી સુનિયોજિત ગુનાની તપાસ માટે આરોપીની તપાસ જરૂરી છે. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી કાર્તિક પટેલના 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

શું છે મામલો

ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button