ખ્યાતિ હોસ્પિટલ કેસ: વધુ ત્રણ આરોપીને શરતી જામીન, એનએસયુઆઈનો વિરોધ
આરોપીઓએ છ મહિના સુધી દર મહિને એક વખત પોલીસમથકે હાજરી આપવી પડશે

અમદાવાદઃ શહેરની ખ્યાતિ હોસ્પિટલ કેસમાં વધુ ત્રણ આરોપીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટને હાઈ કોર્ટે શરતી જામીન આપ્યા હતા. આ પહેલા કોર્ટે સંજય પટોળિયા, રાજશ્રી કોઠારી અને રાહુલ જૈનને શરતી જામીન આપ્યા હતા. આરોપીઓનો જામીન પર છુટકારો થતાં આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોસ્પિટલ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હોસ્પિટલના ગેટ પર મોતના સોદાગરવાળા બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
10,000 રુપિયાના બોન્ડ પર જામીન
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ત્રણ આરોપી ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટે સરકારે નિમેલ તપાસ કમિટીની ફરિયાદમાંથી જામીન મેળવવા ગુજરાત હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમને હાઇ કોર્ટે 10 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા હતા. આરોપીઓએ છ મહિના સુધી દર મહિને એક વખત પોલીસ મથકે હાજરી પુરાવવી પડશે. ખ્યાતિકાંડના આરોપીઓને જામીન પર મળતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ ખ્યાતિ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલ બહાર મોતના સોદાગર લખેલા બેનરો લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ ફાઇલ કરાશે
શુક્રવારે આરોપો ઘડાશે
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને સેશન્સ કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે જામીન પર મુક્ત થયેલા રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા પણ હાજર રહ્યા હતા. કાર્તિક પટેલ અને અન્ય આરોપીના કેસ ક્લબ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલે કેસ પેપર રજૂ કર્યા હતા. આ કેસમાં 18 જુલાઈના શુક્રવારના આરોપો ઘડાઈ શકે છે.
શું છે મામલો
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પ્રથમ ડોક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. આ પછી ડાયરેક્ટર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. જે બાદ તપાસમાં વેગ આવ્યો હતો.