ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની જામીન અરજી હાઇ કોર્ટે ફગાવી...
અમદાવાદ

ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની જામીન અરજી હાઇ કોર્ટે ફગાવી…

અમદાવાદઃ શહેરની ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા ખ્યાતિ કૌભાંડના મુખ્ય આરોપી અને હોસ્પિટલના સીઈઓ કાર્તિક પટેલની જામીન અરજી ગુજરાત હાઈ કોર્ટે બુધવારે ફગાવી દીધી હતી.

હોસ્પિટલ દ્વારા દર્દીઓને કેમ્પના બહાને બોલાવીને તેમના પરિવારજનોની જાણ બહાર જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેવી સર્જરી કરી નાખવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી.

પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી
વસ્ત્રાપુર પોલીસ મથકે ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં 05 આરોપીઓ સામે કાયદાની વિવિધ કલમો હેઠળ ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓમાં ડૉ. પ્રશાંત વજીરાની, ચિરાગ રાજપુત, કાર્તિક પટેલ, ડો.સંજય પટોલીયા અને રાજશ્રી કોઠારીનો સમાવેશ થતો હતો.

ઉપરોક્ત કેસોની તપાસ સરકારે ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. ઉપરોક્ત આરોપીઓ પૈકી ડો.પ્રશાંત અને કાર્તિક પટેલ સાથે વધુ એક આરોપી મિલિંદ પટેલ જેલમાં છે. અન્ય આરોપીઓને હાઇકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.

જામીન માટે કાર્તિક પટેલે કોર્ટમાં શું કહ્યું
કાર્તિક પટેલ દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેને હાઇ કોર્ટે નકારી નાખી હતી. આ અરજીની સુનવણીમાં આરોપી તરફે કોર્ટને જણાવાયું હતું કે કાર્તિક પટેલનો ખ્યાતિ હોસ્પિટલમાં 51 ટકા જેટલો ભાગ છે. સંજય પટોલિયાનો 37 ટકા જેટલો ભાગ છે.

જેને હાઇ કોર્ટે જામીન આપ્યા છે. આથી કાર્તિક પટેલને પેરીટીનો લાભ મળવો જોઈએ. ફોરેન્સિક ઓડિટ મુજબ ખ્યાતિ હોસ્પિટલની 91 ટકા નહીં પણ 26 ટકા આવક પીએમજય યોજનામાંથી આવતી હતી.

કાર્તિક પટેલ ચેરમેન હોવાથી તેને મુખ્ય આરોપી બનાવાયો છે. કાર્તિક પટેલ સામે સરકારી વકીલે જણાવ્યું હતું કે અરજદાર મુખ્ય આરોપી છે. સર્જરી કરનાર ડોકટરને પણ જામીન મળ્યા નથી. હોસ્પીટલમાં પેશન્ટ વધતા ડોક્ટરને લાભ થાય નહીં, કારણ કે તેનો પગાર ફિક્સ હોય છે.

જ્યારે હોસ્પિટલની આવક વધે છે. દર્દીઓને જરૂર નહોતી છત્તા તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતી હતી. પેશન્ટ લાવવા ડોક્ટરોને આરોપી પ્રેશર કરતો હતો. ચિરાગ રાજપૂત કહેતો કે વધુ પેશન્ટ લાવવા કાર્તિક પટેલ દબાણ કરતો હતો. આરોપી નરોડામાં નવી હોસ્પિટલ બનાવાના હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે આરોપીની જામીન અરજી નકારી નાખી હતી.

શું છે મામલો
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા.

સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પ્રથમ ડોક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. આ પછી ડાયરેક્ટર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. જે બાદ તપાસમાં વેગ આવ્યો હતો.

આ પણ વાંચો…ખ્યાતિકાંડમાં વધુ એક મોટો ખુલાસોઃ માત્ર 2000 રૂપિયામાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવ્યા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button