ગુજરાતમાં ઉત્તરાયણ પર ઘાયલ 5439 પક્ષીઓને કરૂણા અભિયાન સેન્ટર લવાયાં, કેટલાં બચ્યાં ?

અમદાવાદઃ ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થયા હતા. ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં 20 જાન્યુઆરી સુધી ‘કરૂણા અભિયાન’ યોજાશે. રાઉત્તરાયણ પર ઘાયલ 5439 પક્ષીઓને કરૂણા અભિયાન સેન્ટર પર લવાયાં હતા. જેમાંથી 4397 એટલે કે 91 ટકા પક્ષીઓને બચાવાયા હતા.
કેટલા કંટ્રોલ રૂમ બનાવાયા
રાજ્યમાં કરૂણા અભિયાન ૨૦૨૬ અંતર્ગત વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટર, 85 જેટલા કંટ્રોલરૂમ તથા 480થી વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓની સારવાર-બચાવ કાર્ય માટે કાર્યરત કરાયા છે. આ કેન્દ્રો પર કુલ 740થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે 8500 થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવા આપી રહ્યા છે.
હેલ્પ લાઈન નંબર પણ કર્યો છે જાહેર
રાજ્યભરમાં 1962 નંબર ડાયલ કરી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સહાય મેળવી શકાશે. આગામી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા વાઈલ્ડ લાઈફ હેલ્પ લાઈન નંબર 83200 02000 જાહેર કરાયો છે. આ નંબર પર વોટ્સએપમાં “Hi” લખવાથી નજીકના પક્ષી સારવાર કેન્દ્રોની જાણકારી મેળવી શકાશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન દરેક તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જરૂર જણાશે તો કરૂણા એમ્બુલન્સ સ્થળ પર થઈ ઘાયલ પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાશે.
ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા જિલ્લાવાર નોડલ અધિકારી તથા નિયંત્રણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે.



