કપડવંજના વ્યક્તિને કુવૈતમાં ફાંસી બાદ મૃતદેહ વતન મોકલવામાં આવ્યો, જાણો વિગતવાર

અમદાવાદઃ ગુજરાતમાં ઘણા લોકો રોજી રોટી માટે વિદેશ જતા હોય છે, પરંતુ ક્યારેક તેમની સાથે બનતી ઘટનાનું પરિણામ પરિવારજનોએ ભોગવવું પડતું હોય છે. ગુજરાતના કપડવંજમાં રહેતો એક વ્યકિત નોકરી માટે કુવૈત ગયો હતો. ત્યાં એક કેસમાં દોષી જાહેર થયા બાદ તેને ફાંસી આપવામાં આવી હતી. જે બાદ તેનો મૃતદેહ વતન મોકલવામાં આવ્યો હતો. કપડવંજમાં ઈસ્લામિક રીત રિવાજ પ્રમાણે શખ્સની દફનવિધિ કરવામાં આવી હતી.
ગુજરાતના કપડવંજના રહેવાસી એક દાયકાથી ખાડી દેશમાં રસોઈયા તરીકે કામ કરતો હતો. પરંતુ 2019માં નોકરી આપનારા માલિકની જ તેણે હત્યા કરી હતી. આ મામલે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. 28 એપ્રિલે તેને ફાંસી આપ્યાના બે દિવસ પછી મૃતદેહ ભારત મોકલવામાં આવ્યો હતો.
કપડવંજનો રહેવાસી મુસ્તકીમ મહંમદભાઇ ભઠીયારા (ઉ.વ.38) રસોઈયો હતો. તેણે દાયકા કરતાં વધુ સમયથી ખાડી દેશોમાં રસોઈયા તરીકે કામ કર્યું હતું. જે બાદ દુબઈમાં તેણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. છેલ્લા સાત વર્ષથી તે કુવૈતમાં કામ કરતો હતો. રાજસ્થાનના બાંસવાડાનું એક દંપત્તિએ તેને તેના ઘરે રસોઈયા તરીકે નોકરીએ રાખ્યો હતો. ચાર વર્ષ સુધી તે ત્યાં રહ્યો હતો. આ દરમિયાન માલિક સાથે તેને મતભેદ થયા હતા. તેણે માલિકની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.
મુસ્તકીમને કામ પર રાખનારા દંપત્તિએ તેની સામે હત્યાનો કેસ નોંધાવ્યો હતો. જે બાદ તેની કુવૈતના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 2021માં તેને દોષી જાહેર કરવામાં આવ્યો હતો અને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. 28 એપ્રિલ, 2025ના રોજ ફાંસી આપવામાં આી હતી. કપડવંજમાં રહેતા તેના પરિવારજનોને ભારતીય દૂતાવાસ દ્વારા ફાંસીની સૂચના આપવામાં આવી હતી પરિવાર અનુસાર મુસ્તકીમે દુબઈ, બેહરીન અને કુવૈતમાં એક દાયકા કરતાં વધુ સમયથી રસોઈયા તરીકે કામ કર્યું હતું.
આપણ વાંચો: અંજારના શ્રમિકની હત્યા માત્ર પૈસા માટે નહીં પણ ભાઈએ આપેલા દગા માટે પણ થઈ…