અમદાવાદ

કાંકરિયામાં ટ્રાફિક જામથી છૂટકારો! સાળંગપુર બ્રિજના સમારકામને પગલે આ રસ્તાઓને વન-વે જાહેર કરાયા; જાણો વિગતો…

અમદાવાદ: સાળંગપુર બ્રિજનું સમારકામ આગામી 30મી જૂન 2026 સુધી ચાલનાર હોવાથી અને આ બ્રિજ વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હોવાથી, તેના કારણે કાંકરિયા અણુવ્રત સર્કલ, પારસી અગીયારી અને વાણિજ્ય ભવન સર્કલ પર ટ્રાફિકનું ભારે ભારણ જોવા મળી રહ્યું છે. આ ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત આ વિસ્તારના કેટલાક માર્ગોને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.

બે માર્ગોને વન-વે જાહેર કરાયા
લખનઉ જલેબી ત્રણ રસ્તાથી કાંકરિયા ગેટ નં.૩ થી અણુવ્રત સર્કલ સુધીનો આશરે ૮૦૦ મીટરનો રસ્તો વન-વે જાહેર કરવામાં આવ્યો છે. જેના જેનો વૈકલ્પિક માર્ગ તરીકે ફૂટબોલ ગ્રાઉન્ડ તરફથી આવતો ટ્રાફિક કાંકરિયા ગેટ નં.૩ થી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી ડાબી બાજુ વળી કાલુપુર તરફ તેમજ જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઇ અનુપમ બ્રિજ ખોખરા, મણીનગર તરફ જઈ શકશે. તેમજ મજૂરગામ તરફથી આવતો ટ્રાફિક પારસી અગિયારીથી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા, મણીનગર તેમજ કાંકરિયા ગેટ નં.૩ ઇક્કા કક્લબ અરેના સ્ટેડીયમ તરફ જઈ શકશે. તે ઉપરાંત રાયપુર તરફથી આવતો ટ્રાફિક લખનઉ જલેબી ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા, મણીનગર તેમજ કાંકરિયા ગેટ નં.૩ ઇક્કા ક્લબ અરેના સ્ટેડીયમ તથા ફૂટબોલ ગ્રાઉન્ડ તરફ જઈ શકશે.

અન્ય એક માર્ગ પણ વન વે જાહેર કરાયો
તે ઉપરાંત અણુવ્રત સર્કલથી વાણિજ્ય ભવન ચાર રસ્તાથી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તા સુધીનો આશરે ૬૦૦ મીટરનો રસ્તો વન-વે જાહેર કરવામાં આવ્યો છે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ખોખરા અનુપમ બ્રિજ તેમજ મણીનગર તરફથી આવતો ટ્રાફિક અણુવ્રત સર્કલ થી ડાબી બાજુ વળી કાંકરિયા ગેટ નં.૩ થી જમણી બાજુ વળી રાયપુર ચાર રસ્તાથી કાલુપુર તરફ જઈ શકશે. તેમજ કાલુપુર તથા ન્યુ-ક્લોથ માર્કેટ તરફથી આવતો ટ્રાફિક વાણિજ્ય ભવન સર્કલ થઇ અણુવ્રત સર્કલ થઇ જમણી બાજુ વળી કાંકરિયા ગેટ નં.૩ થી ફૂટબોલ ગ્રાઉન્ડ થી ભુલાભાઈ તેમજ મજૂરગામ તરફ જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે આ જાહેરનામાનો અમલ 18 મે રાત્રે 12 વાગ્યાથી કરવામાં આવશે. પોલીસ કમિશનરના હુકમનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button