કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડવાની ઘટનામાં છ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટે નકારી

અમદાવાદઃ વર્ષ ૨૦૧૯માં કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ડિસ્કવરી રાઇડ તૂટી પડવાની દુર્ઘટનામાં બે વ્યકિતના મોત અને ૨૭થી વધુ લોકોને ઇજાના ચકચારભર્યા કેસમાં રાઇડના આરોપી કોન્ટ્રાકટર(એમ્યુઝમેન્ટ પાર્કના એમ.ડી) ઘનશ્યામ કાનજીભાઇ પટેલ, તેમના પુત્ર ભાવેશ ઘનશ્યામ પટેલ, મેનેજર તુષાર મહાકાંત ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે લાલો વિકાસ મહેન્દ્રભાઇ પટેલ, કિશન નકુલભાઇ મોહંતી અને મનીષ સતીષભાઇ વાઘેલાને બિનતહોમત છોડી મૂકવાનો અત્રેની સેશન્સ કોર્ટે સાફ ઇન્કાર કરી દીધો હતો.
એડિશનલ સેશન્સ જજ પી.આઇ.પ્રજાપતિએ તમામ છ આરોપીઓને ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. એટલું જ નહી, કોર્ટે તમામ આરોપીઓને પ્રત્યેકને દસ-દસ હજાર રૂપિયાનો સબકસમાન દંડ ફટકાર્યો હતો. વધુમાં સેશન્સ કોર્ટે આ કેસના તમામ આરોપીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવા પણ હુકમ કર્યો હતો.
આપણ વાચો: બીલીમોરામાં ચાલુ રાઈડ અચાનક તૂટી પડતા બાળકો સહિત 5 લોકોને ઇજા; પોલીસે તમામ રાઈડ બંધ કરાવી
આરોપીઓ દ્વારા કરાયેલી ડિસ્ચાર્જ અરજીનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ અદાલતને જણાવ્યું હતું કે, ગત તા.૧૪-૭-૨૦૧૯ના રોજ કાંકરિયા તળાવ ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઇડ તૂટી પડી હતી, જેમાં બે લોકોના મોત નીપજયા હતા, જયારે ૨૭થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે મણિનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
આરોપીઓ વિરુદ્ધ નિર્દોષ લોકોની હત્યાનો ગુનો બનતો હોય તેવું સ્પષ્ટ થાય છે કારણ કે, ડિસ્કવરી રાઇડ હલકી ગુણવત્તાવાળી હતી અને તેની બરાબર જાળવણી થઈ ન હતી, છતાં તેનો ઉપયોગ અને વપરાશ ચાલુ રખાયો હતો. જેના કારણે આખરે રાઇડ તૂટી પડી અને નિર્દોષ લોકોના મોત નિપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
આપણ વાચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુજપૂર પાસે મહી નદી ઉપર નવા ટુ-લેન પુલને રાજ્ય સરકારની મંજૂરી…
આ માત્ર આરોપીઓની ગંભીર નિષ્કાળજી કે બેદરકારીનો કેસ નથી પરંતુ આરોપીઓ વિરુદ્ધ દેખીતી રીતે જ સાપરાધ મનુષ્યવધનો કેસ પ્રસ્થાપિત થાય છે. આરોપીઓ વિરુદ્ધ આ કેસમાં બહુ નક્કર અને મજબૂત પુરાવાઓ છે અને તેથી તેમને આ કેસમાં કોઇપણ રીતે બિનતહોમત છોડી શકાય નહી અને તેમની વિરુદ્ધ કાયદેસર ટ્રાયલ ચલાવી સખત પાઠ ભણાવવો જોઈએ કારણ કે, આ નિર્દોષ લોકોના મોતનો બહુ ગંભીર અને સંવેદનશીલ મામલો છે.
સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે તમામ છ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી અને પ્રત્યેક આરોપીને રૂ. દસ-દસ હજાર સબકસમાન દંડ પણ ફટકાર્યો હતો.



