‘Kankaria Carnival – 2024’ના પ્રારંભ સાથે અમદાવાદને મળી ₹868 કરોડની ભેટ

અમદાવાદઃ અમદાવાદમાં આજથી ‘કાંકરિયા કાર્નિવલ- 2024’નો પ્રારંભ થયો છે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાર્નિવલમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ‘કાંકરિયા કાર્નિવલ- 2024’ ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ ના મંત્રને સાકાર કરે છે.
અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા રૂ. ૮૬૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યપ્રધાને આપી હતી. તેમણે કહ્યું કે, સુશાસન, એટલે સમાજના નાનામાં નાના, સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા-સગવડ અને સુખાકારી આપતું શાસન. વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે.
રાજ્યનાં શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે શહેરીજનોને મનોરંજન રિ-ક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. આપણાં શહેરોમાં જનસુખાકારી વધે, હેપ્પીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે, સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનની નેમ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રૂ. ૮૬૮ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો.
Also read: અમદાવાદમાં ૨૫મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ યોજાશે
આ વખતે કાંકરિયા કાર્નિવલમાં સૌ પ્રથમવાર ડ્રોન અને હ્યુમન પાયરો શો તેમજ અંડર વોટર ડાન્સ જોવા મળશે. કાંકરિયા કાર્નિવલ માટે કોર્પોરેશને રૂપિયા 5.045 કરોડનો વીમો ઉતરાવ્યો છે. એક અંદાજ મુજબ કાંકરિયા કાર્નિવલ આ વર્ષે 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થામાં 1300 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.