
અમદાવાદઃ ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા સીટ ખાલી પડી છે. આ બંને સીટ પર 10 મે સુધીમાં પેટા ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા આ માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ચૂંટણી તારીખ જાહેર થાય તો ભાજપને પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને બતાવેલી લાલ આંખ, અમદાવાદમાં બાંગ્લાદેશીઓના ગેરકાયદે વસાહત પર બુલડોઝર કાર્યવાહીનો લાભ મળી શકે તેમ છે.
વિસાવદર-કડીમાં કેમ પેટા ચૂંટણી
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર સીટ પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. ભાયાણીએ પક્ષપલટો કરતાં આ બેઠક ખાલી પડી છે. ભાજપના હર્ષદ રીબડીયાએ તેમની વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ પિટિશનને કારણે વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ શકી નહોતી. જોકે, હર્ષદ રીબડીયાએ પિટિશન પરત ખેંચતા ચૂંટણી પ્રક્રિયા માટેનો માર્ગ સાફ થયો હતો. જ્યારે કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું નિધન થતાં બેઠક ખાલી પડી છે.
વિસાવદર બેઠક પર આપ અને કોંગ્રેસમાં ગઠબંધન નહીં થાય. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે પણ ઉમેદવાર શોધવાનું શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલા શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ વિસાવદર બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. પક્ષ દ્વારા લાલજી કોટડિયાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ અને ભાજપ પણ આગામી સમયમાં પોત-પોતાના ઉમેદવારો જાહેર કરશે. જેના પરિણામે વિસાવદરનો ચૂંટણી જંગ રોચક બનશે.
ગુજરાતમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027માં યોજાશે. રાજકીય દ્રષ્ટિએ ભાજપે કડી અને વિસાવદર બંને બેઠક જીતવી જરૂરી છે. કડી ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે. જ્યારે વિસાવદરના મતદારો છેલ્લી ઘડી સુધી કઈ કળવા દેતા નથી. ગુજરાતમાં હાલ એન્ટી ઈન્કમબન્સીનો માહોલ જરૂર છે પરંતુ ભાજપને કંઈ ખાસ નુકસાન થાય તેમ નથી. હાલની સ્થિતિ ભાજપને લાભ પહોંચાડી શકે છે. ભાજપ જો કડી અને વિસાવદર સીટ જીતી જાય તો ધારાસભ્યોની સંખ્યા 164 પર પહોંચી શકે છે.
2022 વિધાનસભા ચૂંટણીના શું આવ્યા હતા પરિણામ
2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 સીટ મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠક મળી હતી. રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી હતી, અન્યને 4 સીટ મળી હતી. ભાજપે 156 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો.