ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા ‘વેન્ટિલેટર’ પર? સરકારી હોસ્પિટલોમાં 92 ટકા જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ ખાલી, બોર્ડે ચિંતા વ્યક્ત કરી

અમદાવાદ: છેલ્લા 13 વર્ષથી જુનિયર ફાર્માસિસ્ટની કાયમી ભરતી નહીં થવાને કારણે ગુજરાતના તબીબી શિક્ષણ વિભાગમાં 92 ટકા જગ્યાઓ ખાલી પડી છે. રાજ્યના ફાર્માસિસ્ટ્સ બોર્ડની ચેતવણી મુજબ આ પરિસ્થિતિ હવે મુખ્ય સરકારી હોસ્પિટલમાં દવાઓના પુરવઠાને અવરોધી રહી છે.
આ અછત રાજ્યભરની સરકારી સિવિલ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી હોસ્પિટલોને અસર કરી રહી છે.
આપણ વાંચો: વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોટી રાહત: 190 કાયમી જગ્યાઓની ભરતીને મંજૂરી
જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરની નાની-મોટી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી હોસ્પિટલોમાં જુનિયર ફાર્માસિસ્ટની મહત્ત્વની જગ્યા કાયમી સરકારી કર્મચારીઓને બદલે કોન્ટ્રાક્ટના આધારે કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે.
આ સમસ્યા સમગ્ર આરોગ્ય વિભાગમાં ફેલાયેલી છે. તબીબી શિક્ષણ વિભાગમાં 205માંથી 188 જગ્યાઓ ખાલી છે, એટલે કે 92 ટકા જગ્યાઓ ખાલી છે. મેડિકલ સર્વિસ વિભાગમાં 458માંથી 279 જગ્યાઓ ખાલી છે એટલે કે 61 ટકા જગ્યા ખાલી છે. ઉપરાંત, મેડિકલ હેલ્થ વિભાગમાં 39 ટકા જગ્યા ખાલી છે. આ ક્ષેત્રની 441માંથી 171 જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ ખાલી છે.
આપણ વાંચો: ગુજરાતમાં રમતગમતના કાયમી કોચની 80 જગ્યાઓ ખાલી, એક દાયકાથી નથી થઈ કોઈ ભરતી
સૂત્રોના જણાવ્યા અનુસાર આ લાંબા સમયથી ચાલી રહેલી અછતની દર્દીઓની સંભાળ પર સીધી અસર પડે છે. હોસ્પિટલોમાં જુનિયર ફાર્માસિસ્ટ દર્દીઓની સંખ્યા અને જરૂરિયાત મુજબ દવાઓની માંગ યાદી તૈયાર કરવાનું મહત્ત્વનું કામ કરે છે.
હાલમાં, આ જગ્યા કરાર આધારિત કર્મચારીઓ દ્વારા ભરવામાં આવે છે. પરંતુ આ કરાર આધારિત કર્મચારીઓ સતત બદલાતા રહે છે. પરિણામે રાજ્ય સરકાર પાસેથી દવાઓ મેળવવા જેવું મહત્ત્વનું કામ ખોરવાય છે. જો આ જગ્યા માટે કાયમી સરકારી કર્મચારીઓની ભરતી કરવામાં આવે, તો કામમાં નિયમિતતા આવશે.