
અમદાવાદઃ ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને સાંસદ રાહુલ ગાંધી તેમ જ ગુજરાતના કૉંગ્રેસના નેતાઓને સંબોધી જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ગુજરાતમાં બોલવામાં આવતી અભદ્ર ભાષા અને ટીપ્પણીઓ વિશે તેઓ પોતાનો મત જાહેર કરે.
કૉંગ્રેસના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વડનગરમાં વડા પ્રધાન મોદી વિશે કરેલી ટીપ્પણી સામે નારાજગી વ્યક્ત કરતા, તેનું નામ લીધા વિના જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ વડા પ્રધાન વિશે થયેલી આવી ટીપ્પણી અને ભાષા સાથે સહમત છે કે નહીં તે તેમણે ટ્વીટ કરી જનતાને જણાવવું જોઈએ. તેઓ સહમત હોય કે ન હોય તેમણે સ્પષ્ટ કરવું જોઈએ.
જનતાએ તેમને ચૂંટીને આ પદ પર બેસાડ્યા છે અને તેઓ અવિરત દેશને ઉન્નતિ તરફ લઈ જઈ રહ્યા છે. લોકશાહી ટીકા અને મજબૂત વિપક્ષને ભાજપ આવકારે છે, પરંતુ વડા પ્રધાનપદ પર બેસેલા નેતા મામલે ગમે તેમ બોલવામાં આવે તે દેશની જનતા ચલાવી લેશે નહીં. તેમણે કૉંગ્રેસને પોતાનો મત સ્પષ્ટ કરવા કહ્યું હતું. વડા પ્રધાનના વડનગરમાં મેવાણીએ મોદી વિશે ટીકા-ટીપ્પણીઓ કરી હતી ત્યારબાદ અનુસૂચિત જનજાતિના અમુક સગંઠનોએ પણ વિરોધ નોંધાવ્યો હતો.
આ સાથે ડ્રગ્સ અને દારૂના દૂષણ મામલે કૉંગ્રેસના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું હતું કે સરકાર દારૂના દૂષણને ડામવાની કટિબદ્ધતા ધરાવે છે, તે માટે જ દારૂ અને ડ્રગ્સના જથ્થા પકડાય છે. કૉંગ્રેસ માત્ર આક્ષેપો કરવાનું જાણે છે, તેવી ટીકા તેમણે કરી હતી.
આ પણ વાંચો…મોદી પરના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ભાજપ ‘આક્રમક’: જિગ્નેશ મેવાણી પાસે બિનશરતી માફીની માંગણી કરી



