જન્માષ્ટમી પૂર્વે પ્રવાસીઓનો ધસારો! રજાઓની મોસમમાં ટ્રેન-બસ ફૂલ, એરફેર ₹18,000ને પાર!

અમદાવાદ: ગુજરાતમાં આગામી ત્રણ દિવસની સતત રજાઓને કારણે પ્રવાસન સ્થળો પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. 15મી ઑગસ્ટે સ્વતંત્રતા દિવસ, 16મી ઑગસ્ટે જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર, એમ ત્રણ દિવસની રજાને કારણે લોકોએ બહાર ફરવા જવાનું આયોજન કર્યું છે. આ કારણે ટ્રેન, બસ, અને ફ્લાઇટમાં ટિકિટ મળવી મુશ્કેલ બની ગઈ છે.
દ્વારકા અને સોમનાથ માટે ભારે ધસારો
ખાસ કરીને, સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓની ભીડ સૌથી વધારે છે. અમદાવાદથી સોમનાથ જતી ટ્રેનમાં 150 જેટલું વેઇટિંગ છે. તેવી જ રીતે, અમદાવાદથી દ્વારકા જવા માટેની 16માંથી 13 એસટી બસ ફૂલ થઈ ગઈ છે, અને સોમનાથ જતી 14માંથી 12 બસ પણ પેક થઈ ગઈ છે. આ તકનો લાભ લઈને ખાનગી બસ ઓપરેટરોએ પણ ભાડામાં વધારો કર્યો છે. અમદાવાદથી દ્વારકાનું ખાનગી બસનું ભાડું ₹1600 સુધી પહોંચી ગયું છે. મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, એસટી વિભાગ દ્વારા દ્વારકા અને સોમનાથ માટે વધારાની બસો દોડાવવામાં આવે તેવી શક્યતા છે.
અન્ય ટ્રેનોમાં પણ વેઇટિંગની સ્થિતિ જોવા મળી રહી છે. દ્વારકા માટે 64, જૂનાગઢ માટે 63, અને આબુ રોડ માટે 36નું વેઇટિંગ છે. ઉજ્જૈન અને ગોવા જવા માટેની ટ્રેનોમાં તો ‘રિગ્રેટ’નો સંદેશ આવી રહ્યો છે, એટલે કે ટિકિટ ઉપલબ્ધ નથી.
ફ્લાઇટ અને ખાનગી વાહનોના ભાડામાં વધારો
રજાઓને કારણે ફ્લાઇટના ભાડામાં પણ અનેકગણો વધારો થયો છે. અમદાવાદથી ગોવા અને જયપુરના એરફેર ₹18,000 સુધી પહોંચી ગયા છે. અમદાવાદ-મુંબઈનું એરફેર પણ વધીને ₹11,000 થઈ ગયું છે. ઘણા લોકો ગોવાથી લોનાવલા-ખંડાલા ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત, પ્રાઇવેટ કેબના ભાડામાં પણ સામાન્ય દિવસો કરતાં વધારો જોવા મળી રહ્યો છે.
રસ્તા માર્ગે ફરવા જતા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં છે. સાપુતારા, ડાંગ, માઉન્ટ આબુ, ઉદયપુર, અને શ્રીનાથજી જેવા સ્થળો પર લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. આ સ્થળોએ હોટેલ અને રૂમના ભાડા પણ બમણા થઈ ગયા છે, છતાં પણ રૂમ મળવા મુશ્કેલ છે.