સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરના ઉદ્ઘાટનના ત્રણ દિવસમાં જ આગ લાગતા દોડાદોડી

અમદાવાદઃ સૌરષ્ટ્રના જામનગરમાં ત્રણ દિવસ પહેલા જ મુખ્ય પ્રધાનન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં રૂ. 226 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારે આ બ્રિજના એક પિલરમાં બુધવારે આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી.
જૂના રેલવે સ્ટેશન નજીક બ્રિજના એક પિલરમાં ઈલેક્ટ્રિક વાયરિંગમાં આગ લાગી હતી, જોકે ફાયર બ્રિગેડે આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ બ્રિજનું 24મી નવેમ્બર ઉદ્ઘાટન થયું હતું. પહેલા દિવસે વાહનચાલકોએ એટલો ઉત્સાહ બતાવ્યો હતો કે બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાતા બ્રિજ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. તો બીજા દિવસે અહીં એક અકસ્માત થયો હતો અને ત્રીજા દિવસે આગ લાગવાની ઘટના ઘટી હતી.
પિલરમા આગ લાગેલી જોઈ વાહનચાલકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગે સૌથી પહેલા વીજ પુરવઠો બંધ કર્યો હતો અને ત્યારબાદ ડીસીપી પાવડરનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.



