જૈન સમુદાયે એકસાથે 186 લક્ઝરી કાર ખરીદી, રૂ.21 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યું

અમદાવાદઃ ખૂબ જ સમૃદ્ધ અને સંગઠિત માનવામાં આવતા જૈન સમુદાયે તાજેતરમાં એકસાથે 186 લક્ઝરી કાર ખરીદી અને રૂ. 21 કરોડનું જંગી ડિસ્કાઉન્ટ મેળવ્યું છે.
આ પ્રકારની લગભગ આ પહેલી ડિલ હશે જેમાં એક સમુદાયે એક સાથે બીએમડબલ્યુ, ઔડી જેવી ખૂબ જ મોંઘી કાર ખરીદી હોય અને આટલું મોટું ડિસ્કાઉન્ટ મેળવ્યું હોય. આ ખરીદી જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઑર્ગેનાઈઝેશન (જીતો)એ કરી છે. ઓર્ગેનાઈઝેશનના ઉપ પ્રમુખ હિમાંશું શાહે આ અંગે જણાવ્યું હતું કે જીતો ભારતભરમાં 65,000 સભ્ય ધરાવતી સામાજિક સંસ્થા છે.
આ તમામ લક્ઝરી કાર જાન્યુઆરીથી જૂન મહિનામાં તેમના માલિકને સોંપી દેવામાં આવી છે. કુલ 186 કાર ખરીદી છે, જેમાં રૂ. 60 લાખથી માંડી 1.3 કરોડની કિંમતની કારનો સમાવેશ થાય છે. જીતોએ આખા દેશના સભ્યો માટે આ અભિયાન શરૂ કરતા અમને રૂ. 21 કરોડનું ડિસ્કાઉન્ટ મળ્યું છે. જોકે આનાથી સંસ્થાએ કોઈ નફો રળ્યો નથી.
આ પણ વાંચો: દિવાળીમાં ક્રેડિટકાર્ડ પર મળતી ઓફર્સથી અંજાશો નહીં, ડિસ્કાઉન્ટના નામે છેતરાતા પહેલા આ વાંચો
કુલ 186 કારમાંથી મોટાભાગની કાર ગુજરાતના અમદાવાદના જૈનોએ ખરીદી છે. આ અભિયાન શરૂ કરનારા નીતિન જૈનએ જણાવ્યું હતું કે સમુદાયની જે ખરીદશક્તિ છે તેનો ઉપયોગ કરી મોટું ડિસ્કાઉન્ટ કાર બનાવનારી કંપનીઓ પાસેથી મેળવવાનો પ્રાથમિક વિચાર સંસ્થાના સભ્યોને આવ્યો હતો. આથી અમે સીધો જે તે બ્રાન્ડનો જ સંપર્ક કર્યો હતો.
કારકંપનીઓ પણ પ્રેમથી રાજી થઈ. 21 કરોડના ડિસ્કાઉન્ટને લીધે દરેક કાર ખરીદનારે રૂ. 8થી 17 લાખ બચાવ્યા છે, જે એક વધુ કાર ખરીદવા જેટલી રકમ છે. એકસાથે કાર ખરીદવાના આ સફળ અભિયાન બાદ હવે જીતો જ્વેલરી, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય વસ્તુઓમાં પણ આ રીતે જ સાગમઠી ખરીદી કરશે, તેમ સભ્યોએ જણાવ્યું હતું.