એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલ બનશે ભાજપના પ્રમુખઃ આવતીકાલથી પદ સંભાળે તેવી શક્યતા | મુંબઈ સમાચાર
અમદાવાદ

એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલ બનશે ભાજપના પ્રમુખઃ આવતીકાલથી પદ સંભાળે તેવી શક્યતા

અમદાવાદઃ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ઈલેક્શન એક રીતે સિલેક્શનમાં ફેરવાઈ ગઈ છે. ભાજપે જાહેર કરેલા ચૂંટણી કાર્યક્રમ છતાં એક જ ઉમેદવારે ફોર્મ ભરતા ચૂંટણી ઓપચારિકતા માત્ર રહી ગઈ હતી અને અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાભ્ય અને કેબિનેટ પ્રધાન જગદીશ પંચાલ ગુજરાત ભાજપના સૂકાની તરીકે બિરાજમાન થવાનું નક્કી થઈ ગયું છે. લગભગ પહેલીવાર બની રહ્યું છે કે રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદ પર અને પક્ષના સર્વોચ્ચ પદ પર એક જ શહેરના વ્યક્તિઓ બેઠા હોય. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ શહેરના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે પંચાલ શહેરના નિકોલ વિસ્તારનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે.

કૉંગ્રેસના ઓબીસી ચહેરા સામે ભાજપનો ઓબીસી ચહેરો

ગુજરાતમાં જ્ઞાતિના સમીકરણો બંધ બેસાડવાની ફરજ દરેક રાજકીય પક્ષને પડે છે. ભાજપે રાજ્યના મુખ્ય પ્રધાનપદે પાટીદાર ચહેરો બેસાડ્યો છે ત્યારે રાજ્યના ઓબીસી મતદારોને ધ્યાનમાં રાખી જગદીશ પંચાલનો ચહેરો આગળ ધરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે.

વધુમાં આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્ત્વ આપવું જરૂરી બન્યું છે.

ભાજપે ગઈકાલે ચૂંટણી માટેની જાહેરાત કરી હતી. અગાઉ ત્રણચાર નામ રેસમા હતા, પરંતુ આજે માત્ર જગદીશ પંચાલે વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું છે. 12 ઑગસ્ટ, 1973માં જન્મેલા જગદીશ પંચાલે માર્કેટિંગમાં એમબીએ કર્યું છે અને ટેક્સટાઈલ્સ મશિનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ત્રણવાર ધારાસભ્ય બનેલા જગદીશ પંચાલની રાજકીય યાત્રા બૂથ ઈન્ચાર્જ તરીકે શરૂ થઈ હતી. તેઓ અમદાવાદ શહેરના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હવે સમગ્ર ગુજરાત ભાજપની બાગદોર સંભાળશે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ વાતને સમથર્ન આપ્યું હતું કે માત્ર એક જ ફોર્મ ભરાયું છે અને તે જગદીશ પંચાલનું છે.

આ અંગેની સત્તાવાર જાહેરાત પક્ષ તરફથી થઈ નથી. મળતી માહિતી અનુસાર પંચાલ આવતીકાલથી પદભાર સંભાળશે.

આપણ વાંચો:  ભાજપ પ્રમુખપદની ચૂંટણી પહેલા પરિણામ, જગદીશ પંચાલ બિનહરીફ ચૂંટાશે?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button