પાટીલના ટોણા પર ઈસુદાન ગઢવીનો પલટવાર: ભાજપને 2 સીટ લાવવામાં 27 વર્ષ લાગ્યા હતા, પંજાબ-કેરળમાં તમારી શું હાલત થઈ?’

અમદાવાદ: કમલમ ખાતે આજે જગદીશ પંચાલે પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ સહિત આગેવાનો હાજર રહ્યા. ભૂપેન્દ્ર યાદવના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વાત સંબોધન કર્યું હતું અને તેમણે નામ લીધા વગર જ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. સી. આર. પાટીલે કરેલા પ્રહારો પર ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.
કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માએ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો અને આ સમયે આયોજિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન સંબોધન દરમિયાન પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નામ લીધા વગર જ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દિલ્હીથી એક પાર્ટી આવી, તેમણે સરકાર બનાવવાની જાહેરાત કરી. ગુજરાતના મતદાતાઓએ તેમની ડિપોઝિટ જપ્ત કરી લીધી.રાજકોય વિશ્લેષકોનું કહેવું છે કે ત્રીજી પાર્ટીના કારણે ભાજપને જીત મળી પણ તેનાથી નાસીપાસ થવાની જરૂર નથી, 135 બેઠકો પર ભાજપને ખૂબ જ સારા મત મળ્યા છે.
આ પણ વાંચો: ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યાં, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી રહ્યા હાજર
સી. આર. પાટીલે કરેલા પ્રહારો પર ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું ભાજપ ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે આમ આદમી પાર્ટી પર નિવેદન કર્યું છે. સી આર પાટીલે ઈતિહાસ વાંચવાની જરૂર છે. ભાજપને 2 સીટ લાવવામાં 27 વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીએ પ્રથમ ઇલેક્શનમાં જ 13% વોટ સાથે 5 સીટો મેળવી છે. આમ આદમી પાર્ટીને 1 વર્ષમાં 5 બેઠકો સાથે 41 લાખ મળ્યા છે, જે અગાઉ મુખ્ય પ્રધાનોએ બનાવેલી પાર્ટીઓને પણ નથી મળ્યા.
ડિપોઝિટ જપ્ત થવાના મુદ્દે ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, પંજાબ અને કેરળમાં તમારી ડિપોઝિટની હાલત શું થઈ તે આખો દેશ જાણે છે. ગુજરાતમાં 156 સીટો જીત્યા બાદ બીજી પાર્ટીઓમાં તોડફોડ કરીને ભાજપે 161 ધારાસભ્યો કર્યા. આટલા ધારાસભ્યો બનાવીને ગુજરાતની જનતાનું ભલું કરવાના બદલે માત્ર જે માત્ર ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કર્યું છે. એ જ તોડ, બ્રિજના કૌભાંડો, ખેડૂતોને પાયમાલ, બેરોજગારો પર લાઠીચાર્જ, નોકરી માંગનારા લોકોને ધમકીઓ અને પોલીસનો ડર સિવાય શું કર્યું છે? ભાજપના આ અહંકારને ગુજરાતની જનતા આગામી ચૂંટણીઓમાં ભસ્મીભૂત કરશે તેમ ઇસુદાન ગઢવીએ કહ્યું હતું.