અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ બાદ iPhoneની દાણચોરી: મહિલા કેરિયર પકડાઈ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમયાંતરે ડ્રગ્સ, સોનાની હેરફેર ઝડપાતી હોય છે. જોકે તાજેતરમાં iPhoneની દાણચોરી ઝડપાઈ હતી. મહિલા કેરિયર પકડાતા ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ત્રણ દિવસ પહેલા મોડી સાંજે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં એક મહિલા મુસાફર હિમાની કુમારી ધર્મેશ સોલંકી પાસેથી iphone max pro 20 અને iphone 17 પ્રો મળીને કુલ 30 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. મહિલા પાસેથી મળેલા કુલ મોબાઇલ ફોનની કિંમત 43 લાખ રૂપિયા જેટલી હતી.
મહિલાએ ક્યાં છુપાવ્યા હતા iphone
મુંબઈની રહેવાસી આ મહિલાએ બેગેજની અંદર iphone છુપાવ્યા હતા. જેની માહિતી કસ્ટમના અધિકારીઓને મળતા કસ્ટમના અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. લેટેસ્ટ ટેકનોલોજીના iphone દુબઈથી તેના મામાએ આપ્યા હતા અને અમદાવાદમાં સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી મયુર હોટલમાં iphone ની ડીલીવરી કરવાની હતી. જોકે તેના નામનો રૂમ અગાઉથી બુક કરવામાં આવ્યો હતો. પેસેન્જર પકડાઈ જતા ડિલિવરી લેવા આવેલો માણસ ત્યાંથી ભાગી ગયો હતો.
50 હજાર કમિશન અને ટિકિટની વ્યવસ્થા
પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે મુંબઈની આ મહિલા અમદાવાદ એરપોર્ટની બહાર નીકળીને બાય રોડ મુંબઈ જવાની હતી અને તેને iphone લઈ જવા માટે 50,000 નું કમિશન અને ટ્રાવેલ ટિકિટ કરી આપવામાં આવી હતી. આ મહિલાને લેવા માટે અમદાવાદ આવેલા લોકો પણ એરપોર્ટની બહારથી ભાગી ગયા હતા. આ અંગેની આગળની તપાસ ચાલી રહી હોવાનું કસ્ટમના સૂત્રોએ જણાવ્યું હતું.
અગાઉ પણ મુંબઈની પેસેન્જર હિમાની સોલંકી દુબઈ અને અબુધાબીથી અંદાજે બે ટ્રીપમાં એક કરોડની કિંમતના iphone લાવી હતી પરંતુ તે એરપોર્ટની બહાર નીકળી જવામાં સફળ થઈ ગઈ હતી. આ અંગે પણ કસ્ટમ વિભાગ તપાસ કરી રહ્યું છે અને એરપોર્ટના સીસીટીવી ફૂટેજ ની પણ તપાસ કરી રહ્યું છે. એટલું જ નહીં હોટલમાં રૂમ કોણે બુક કરાવ્યો હતો તેની તપાસ માટે મુંબઈ અને અમદાવાદની હોટલના સંચાલકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આ મહિલા કેરિયર પેસેન્જર અગાઉ પણ અમદાવાદના એરપોર્ટ ઉપરથી નીકળી જવામાં સફળ રહી હતી.
શું કહે છે કસ્ટમ્સ એક્ટ
કસ્ટમ્સ એક્ટ મુજબ ગેરકાયદે રીતે કિંમતી વસ્તુઓ દેશની અંદર લાવવાના પ્રયાસને ગંભીર ગુનો માનવામાં આવે છે. કસ્ટમ અધિકારીઓએ મુસાફરોને ચેતવણી આપી છે કે મોંઘી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લાવતા સમયે તે અંગે યોગ્ય ડિકલેરેશન કરવું ફરજિયાત છે. નહીં તો કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
આપણ વાંચો: ગુજરાતમાં છ વર્ષમાં કેટલા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા? જાણો હાલ રાજ્યમાં કેટલા છે ધારકો



