અમદાવાદઃ ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી ડાયરેકટર કાર્તિક પટેલ ગત સપ્તાહે ઝડપાયો હતો. જે બાદ હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની સામ સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવેલી વિગત મુજબ, તેમનો પ્લાન વધુ ચાર હૉસ્પિટલ બનાવીને કરોડોની આવક કરવાનો હતો.
આ પણ વાંચો : જંત્રી દરના વધારા સામે વિરોધની વચ્ચે રાજકોટમાં જંત્રી દરના વધારા માટેની અરજી!
વધુ ચાર હૉસ્પિટલ બનાવવાની હતી યોજના
ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક, ચિરાગ અને રાહુલની સાથે રાકીને પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, પીએમજેએવાયમાં કરોડોની આવક થતાં વધુ ચાર હૉસ્પિટલ બનાવવાની યોજના હતી. આ માટે ગોતા, સાબરમતી અને નરોડામાં હૉસ્પિટલ માટે ખ્યાતિ મેડિકેર પણ સ્થાપી હતી. તેમજ ચિરાગ રાજપૂત ધંધો વધારવા માટે દબાણ કરતો હતો અને ડમી કર્મચારીઓ બતાવીને પગાર ચૂકવ્યાનું દર્શાવી હૉસ્પિટલ ખોટમાં ચાલતી હોવાનું બતાવતા હતા.
કાર્તિક પટેલ સમગ્ર ઘટનાથી વાકેફ હતો. તેની સૂચના મુજબ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા હતા. પીએમજેએવાય કૌભાંડથી કરોડોની આવક થતાં ચાર હૉસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું. જે માટે ખ્યાતિ મેડિકેર નામની કંપની સ્થાપી હતી. જેમાં તે ડાયરેક્ટર હતો. આ હૉસ્પિટલ તૈયાર કરવાની જવાબદારી ચિરાગ રાજપૂતને આપી હતી.
બોગસ સ્ટાફ બતાવી હૉસ્પિટલ ખોટમાં ચાલતી હોવાનું દર્શાવતા
ખ્યાતિ હૉસ્પિટલ નુકસાન કરતી હોવાનું બતાવવા માટે કાર્તિક પટેલ ચિરાગ રાજપૂતના સંબંધીઓને હૉસ્પિટલમાં કર્મચારીઓ બતાવીને પગાર કર્યા બાદ નાણાં બારોબાર ઉપાડી લેતા હતા. આ માટે બનાવટી ઑફર લેટર પણ તૈયાર કર્યા હતા. આ ઉપરાંત હૉસ્પિટલને સારી આવક થાય તે માટે કાર્તિક પટેલ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને દબાણ કરતો હતો અને નિયમિત મીટિંગ કરતો હતો.
શું છે મામલો
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ પણ વાંચો : અમૂલે ડેરી દૂધના ભાવમાં ઘટાડો કર્યો; જાણો એક લીટરના નવા ભાવ
આ મામલે પ્રથમ ડૉક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. થોડા દિવસ પહેલા ડાયરેક્ટર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. હાલ આરોપીઓની સાથે બેસાડીને પૂછપરછ ચાલી રહી છે, જેમાં એક બાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.