અમદાવાદ

અમદાવાદમાં ૧૧ થી ૧૪ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો ભાગ લેશે…

અમદાવાદઃ ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે.

આ વર્ષે તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ ૧૧ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે યોજાશે. અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસ નપ્રધાન મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : STI પરીક્ષાના પરિણામ અંગે હસમુખ પટેલે આપ્યા મોટા સમાચાર

અમદાવાદ સિવાય કઈ કઈ જગ્યાએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ (બાવન) જેટલા પતંગબાજો ભાગ લેશે. આ ઉપરાંત ગુજરાતના ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લેશે.

પતંગ મહોત્સવના મુખ્ય આકર્ષણો

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગના મુખ્ય આકર્ષણો આ મુજબના રહેશે. ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button