અમદાવાદ

રાજયની સલામતી કે કાયદો-વ્યવસ્થા સિવાયની નાગરિકોના પ્રશ્નો સંબંધી માહિતી ગૃહ વિભાગે આપવી પડેઃ માહિતી આયોગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણા માટે ટાસ્ક ફોર્સની રચના અને ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને નાયબ સચિવને મોકલાયેલા વિવિધ અહેવાલો અને રિપોર્ટ્સ સંદર્ભે ગૃહ વિભાગ તરફથી કયા કયા નિર્દશો, સૂચના જારી કરાયા કે કાર્યવાહી થઇ તે મામલે માંગેલી સંબંધિત માહિતી આપવા ગુજરાત રાજય માહિતી આયોગે એક બહુ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. ગુજરાત રાજય માહિતી આયોગના કમિશનર સુભાષ સોનીએ બહુ મહત્ત્વના અવલોકન સાથે સ્પષ્ટ કર્યું હતું કે, ભલે ગૃહ વિભાગની વિશેષ શાખાને આર. ટી. આઈ. કાયદા હેઠળ માહિતી આપવામાંથી મુક્તિ આપવાનુ ગૃહ વિભાગનું જાહેરનામું હોય, પરંતુ રાજ્યની સલામતી કે કાયદો અને વ્યવસ્થા વિષયની માહિતી જાહેર થતી નહી હોવાથી ગૃહ વિભાગએ માહિતી આપવી પડે. આમ, ઠરાવી અરજદાર નિવૃત્ત સરકારી અધિકારીને પાલિતાણા તીર્થધામના અહેવાલો સંબંધી જારી નિર્દેશો અને સૂચનાઓ સહિતની જરૃરી માહિતી પૂરી પાડવા ગૃહ વિભાગની વિશેષ શાખાને હુકમ કર્યો હતો.

ગુજરાત રાજય માહિતી આયોગે પોતાના આ ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું હતું કે, રાજયના ગૃહવિભાગની વિશેષ શાખાની કોર એક્ટિવિટી જેવી કે, રાજ્યની સલામતી તથા કાયદો અને વ્યવસ્થા વિષય સિવાયની માહિતી કે જે નાગરિકો, જે તે વિસ્તારના વિકાસના પ્રશ્નોને સંબંધિત હોય તેવી માહિતી કચેરીએ આપવી પડે. રાજય માહિતી આયોગના આ ચુકાદાને પગલે નાગરિકો માટે જરૂરી માહિતી મેળવવામાં બહુ ઉપયોગી સાબિત થશે.

બે વાર અરજી નામંજૂર થઈ

ગાંધીનગરના નિવૃત્ત સરકારી અધિકારી અને ધર્મે જૈન એવા અરજદાર કે.આર.શાહ દ્વારા જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણા માટે ટાસ્ક ફોર્સની રચના અને ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ( જિલ્લા કલેકટર ) તરફથી વર્ષ ૨૦૨૩માં રાજયના ગૃહ વિભાગને મોકલવામાં આવેલા તબક્કાવાર રિપોર્ટ્સ અને અહેવાલો અનુસંધાનમાં રાજયના ગૃહ વિભાગ તરફથી જે કોઇ પગલાં લેવાયા હોય, જે કોઇ સૂચના કે નિર્દેશો જારી કરાયા હોય તે સહિતની સંબંધિત માંગવામાં આવી હતી. જો કે, ગૃહ વિભાગ(વિશેષ શાખા-૨)ના સેકશન અધિકારીએ એવા કારણસર અરજદારની અરજી નામંજૂર કરી હતી કે, આરટીઆઇ એકટની કલમ-૨૪(૪) અને ગૃહ વિભાગના તા.૨૫-૧૦-૨૦૦૫ના સંબંધિત જાહેરનામા મુજબ, ગૃહ વિભાગની વિશેષ શાખાઓને માહિતી આપવામાં મુકિત અપાયેલી છે, તેથી તમને આ માહિતી આપી શકાય નહી.

માહિતી આયોગે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

આ હુકમથી નારાજ થઇ અરજદારે ગૃહ વિભાગના સંયુકત સચિવ(કાયદો અને વ્યવસ્થા) સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરી હતી. જો કે, સંયુકત સચિવે પણ અરજદારની પ્રથમ અપીલ નામંજૂર કરી હતી અને માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પરિણામે અરજદાર તરફથી આરટીઆઇ એકટની કલમ-૧૮ હેઠળ ગુજરાત રાજય માહિતી આયોગ સમક્ષ સેકન્ડ અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદાર પક્ષ તરફથી એડવોકેટ નિમિષ એમ. કાપડિયા અને એડવોકેટ જૈનમ શાહે બહુ મહત્ત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, સરકારના જાહરેનામા મુજબ, ભલે ગૃહ વિભાગની વિશેષ શાખાઓને કલમ-૨૪(૪) હેઠળ માહિતી આપવામાંથી અમુક સંજોગોમાં મુકિત અપાઇ હોય પરંતુ કલમ- ક-૧ મુજબ જયારે માનવીય હક્કો અને અધિકારોને લગતી કોઇપણ માહિતી હોય તો તે કચેરીએ આપવી જ પડે. અરજદાર પોતે જૈન છે અને પાલિતાણામાં જૈનોના માનવીય અધિકારોના ભંગની ઘણી ફરિયાદો તેમણે અગાઉ સરકારમાં પણ ઘણી રજૂઆતો કરી છે. માનવીય અધિકારોના ભંગ બાબતે યોગ્ય પગલા લેવાના હેતુથી જ સરકાર દ્વારા પાલિતાણામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.

અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ગુજરાત રાજય માહિતી આયોગે બહુ મહત્ત્વનો ચુકાદો આપતાં ઠરાવ્યું હતું કે, જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીને જણાવવામાં આવે છે કે, વિવાદીની અરજીના પ્રત્યેક મુદ્દા બાબતે વિશેષ શાખાની કોર એક્ટિવિટી જેવી કે, રાજ્યની સલામતી તથા કાયદો અને વ્યવસ્થા વિષય સિવાયની માહિતી કે જે નાગરિકો જે તે વિસ્તારના વિકાસના પ્રશ્નોને સંબંધિત હોય તેવી માહિતી કચેરીએ આપવી પડે. આમ, આયોગનો હુકમ મળ્યા તારીખથી દિન-૧૫માં અરજદારને સ્પીડ પોસ્ટથી વિનામૂલ્યે મોકલી આપવા હુકમ કર્યો હતો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button