અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઈન્દિરા બ્રિજ પર ક્રેક પડી છે ખરી પણ ………….સરકારે શું કહ્યું ?

અમદાવાદઃ શહેરને ગાંધીનગર સાથે જોડતા ઈન્દિરા બ્રિજ પર ક્રેક પડી છે. વીવીઆઈપીઓની અવર જવરથી ધમધમતા આ રોડ પર રોજના એક લાખ જેટલા વાહન ચાલકો પસાર થાય છે. ઈન્દિરા બ્રિજ પર તિરાડ પડી હોવાની વિવિધ મીડિયામાં અહેવાલ આવતાં જ તંત્રએ પોતાની ક્ષતિ સુધારવાના બદલે તેને ભ્રામક સમાચાર ગણાવ્યા હતા. સરકારે કહ્યું કે, બ્રિજમાં કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી પણ એન્જિનિયરિંગના નિયમ પ્રમાણે એક્સપાન્શન જોઈન્ટ છે.
ઈન્દિરા બ્રિજની સુરક્ષા પર સવાલો ઉઠતાં નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તંત્રએ સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું કે, અહેવાલમાં જે તિરાડો બતાવવામાં આવી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી. પરંતુ એન્જિનયરિંગના નિયમ મુજબ રાખવામાં આવેલા એકસ્પાન્શન જોઈન્ટ છે. તાજેતરમાં કન્સલટન્ટ દ્વારા કરવામાં આવેલા ટેકનિકલ ઓડિટમાં પણ કોઈ ખામી સામે આવી નથી. બ્રિજ સંપૂર્ણ સુરક્ષિત છે.
બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ પાસે ગેપ હોય એની બધાને ખબર હોય છે પરંતુ બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સાથે તેની આસપાસ ક્રેક જોવા મળી રહી છે. શું તેને સ્ટ્રક્ચરલ ખામી કે ક્ષતિ ન કહી શકાય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્દિરા બ્રિજ એ માત્ર સામાન્ય નાગરિકો માટેનો રસ્તો નથી, પરંતુ તે રાજ્યનો સૌથી VVIP માર્ગ છે. વડા પ્રધાન, મુખ્ય પ્રધાન, પ્રધાનો અને ધારાસભ્યો એરપોર્ટથી ગાંધીનગર જવા માટે આ જ બ્રિજનો ઉપયોગ કરે છે. આમ છતાં, આ બ્રિજની હાલત દયનીય બની છે. બ્રિજ પર પડેલા ખાડા અને દેખાતી તિરાડો વાહનચાલકો માટે જોખમ ઉભું કરી રહી છે.
સાબરમતી નદી પર બનેલા આ બ્રિજ પરથી રોજબરોજ અંદાજે 1 લાખ જેટલા વાહનો પસાર થાય છે. તંત્ર દ્વારા અવારનવાર બ્રિજ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રિપોર્ટ આવ્યા બાદ તેનું અમલીકરણ કે રિપેરિંગની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ઈન્દિરા બ્રિજ વર્ષ 2012માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શહેરના ઈન્કમટેક્સ બ્રિજ, સુભાષબ્રિજ અને દધિચી બ્રિજ પછી વધુ એક બ્રિજ જોખમી બનતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો…ઈન્દિરા બ્રિજ પર તિરાડોના અહેવાલો બાદ તંત્રએ કરી સ્પષ્ટતાઃ જેને લોકો તિરાડ સમજે છે તે….



