
અમદાવાદ: મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઈને ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં વધતી બોમ્બની ધમકીને કારણે સુરક્ષાતંત્રનો જીવ અદ્ધર થઈ ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર ઈન્ડિગોની ફ્લાઈટ 6E 058માં 180 પ્રવાસી સવાર હતા, જ્યારે છ ક્રૂ મેમ્બર હતા. આજે સવારે 11.30 વાગ્યાના સુમારે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર એક મુસાફરે તેની પાસે બોમ્બ હોવાનો દાવો કર્યો હતો અને તે સમયે વિમાન આકાશમાં હતું. પ્રોટોકોલનું પાલન કરીને પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી અને સુરક્ષા એજન્સીને તાત્કાલિક એલર્ટ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇમરજન્સી લેન્ડિંગ માટે ફ્લાઇટને અમદાવાદ તરફ ડાઇવર્ટ કરવામાં આવી હતી.
લેન્ડિંગ થયા બાદ, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર ઉતારવામાં આવ્યા હતા. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), CISF, પોલીસ અને એરપોર્ટ સુરક્ષા ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિમાનને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ) દ્વારા તપાસ કરવામાં આવી હતી, પણ તપાસમાં કંઈ સંદીગ્ધ મળ્યું નહીં હોવાથી એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે, જે પ્રવાસીએ વાત જણાવી હતી તેને તાત્કાલિક અટક કરી હતી. અમદાવાદ પોલીસ પૂછપરછ કરી રહી છે અને ધમકી શા માટે એની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મંગળવારે પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા પછી કુવૈતથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટનું મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…IndiGoની ફ્લાઇટ્સ આજે પણ રદ: દિલ્હી, મુંબઈ, અમદાવાદ એરપોર્ટ્સ પર મુસાફરોને હાલાકી…



