ટિશ્યૂ પેપર પર લખેલા એક મેસેજે આખું તંત્ર દોડતું કર્યું, હાઇજેકની ધમકી બાદ…

વિમાનનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ…
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કુવૈતથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનની અંદર એક ટિશ્યૂ પેપર પર વિમાન હાઈજેક કરવા અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હડકંપ મચી ગયો હતો. જે બાદ વિમાનનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.
મળતી વિગત મુજબ, ફ્લાઈટ જ્યારે આકાશમાં હતી ત્યારે ક્રૂ મેમ્બરને ફ્લાઈટમાં ટિશ્યૂ પેપર પર હાઈજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને પ્રોટોકોલ મુજબ વિમાનને સૌથી નજીકના એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો. વિમાનમાં 180 મુસાફરો સવાર હતા. હાલ તમામ મુસાફરોની તપાસ ચાલી રહી છે. અત્યારસુધી પેસેન્જર પાસેથી કોઇપણ જાતની શંકાસ્પદ વસ્તુ મળી નથી. તપાસ થયા બાદ ફ્લાઈટને રવાના કરવામાં આવશે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ, ધમકી બાદ એજન્સી સતર્ક થઈ ગઈ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા વિમાનનું ચેકિંગ કરાયું હતું. જોકે કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી.
22 જાન્યુઆરીએ પણ આ પ્રકારની ઘટના બની હતી. દિલ્હીથી પુણે જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જોકે સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.



