અમદાવાદમાં સર્પદંશની સંખ્યામાં વધારો, આ વર્ષે નોંધાયા અધધ કેસ

અમદાવાદઃ સામાન્ય રીતે શહેરમાં સર્પદંશની ઘટના બહુ ઓછી બનતી હોય છે. જોકે આ વર્ષે અમદાવાદમાં સર્પદંશ કેસોમાં તીવ્ર વધારો થયો છે, ઓક્ટોબર મહિના સુધીમાં શહેરમાં 272 કેસ નોંધાયા હતા. જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ કેસ હતા. 108 EMRIના ડેટા મુજબ સમગ્ર રાજ્યમાં, 31 ઓક્ટોબર સુધીમાં સાપ કરડવાના કુલ 7,947 કેસ નોંધાયા હતા.
108 EMRI ના અધિકારીઓ અનુસાર, સામાન્ય રીતે ચોમાસા દરમિયાન સાપ કરડવાના કેસ વધે છે. વરસાદી પાણી દરમાં ભરાઈ જવાથી સાપ બહાર આવવા મજબૂર થાય છે. જોકે, આ વર્ષે વરસાદ નવેમ્બરના પહેલા સપ્તાહ સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે કેસોની સંખ્યામાં વધારો થયો હતો. સૂત્રો મુજબ, જ્યારે દરોમાં પાણી ભરાય છે, ત્યારે સાપ ખોરાક અને આશ્રયની શોધ કરે છે, જે તેમને ઘણીવાર ઘરો અને ખેતરોની નજીક લઈ આવે છે.
સોલા સિવિલમાં કેસ વધ્યા
પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે અમદાવાદમાં સર્પદંશના કેસમાં વધારો થયો હતો. શહેરમાં 2019માં 103, 2020માં 101, 2021માં 116, 2022માં 162, 2023માં 210 અને 2024માં 259 કેસ નોંધાયા હતા. આ વર્ષે 272 કેસોએ 2024 ના કુલ આંકડાને વટાવી દીધો છે. શહેરની હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટથી ઓક્ટોબર મહિના વચ્ચે સાપ કરડવાના 141 કેસ આવ્યા હતા, જેમાં 51 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. OPDમાં ઓગસ્ટમાં 41, સપ્ટેમ્બરમાં 55 અને ઓક્ટોબરમાં 31 કેસ નોંધાયા હતા.
સર્પદંશની ઘટનામાં વલસાડ રાજ્યમાં ટોચ પર
રાજ્યમાં સર્પદંશની ઘટનામાં સતત વધારો હતો. 2019 માં 5,017 કેસથી વધીને 2024 માં 7,893 થયા હતા. જિલ્લાવાર વાત કરવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 591 સાપ કરડવાના કેસ નોંધ્યા હતા. અમદાવાદના 272ની સરખામણીમાં સુરતમાં 453 કેસ નોંધાયા હતા. દાહોદમાં 412, ડાંગમાં 384, તાપીમાં 380, છોટા ઉદેપુરમાં 363, પંચમહાલમાં 343, કચ્છમાં 323, નર્મદામાં 321 અને વડોદરા 319 કેસ નોંધાયા હતા.
આપણ વાંચો: AMCમાં સરકારી નોકરીની સુવર્ણ તક! એસ્ટેટ/TDO વિભાગમાં કુલ 78 જગ્યાઓ માટે ભરતી જાહેર



