અમદાવાદના ગોમતીપુરમાં તલવાર-ડંડા વડે હુમલાની ઘટનાઃ કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલ | મુંબઈ સમાચાર

અમદાવાદના ગોમતીપુરમાં તલવાર-ડંડા વડે હુમલાની ઘટનાઃ કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલ

અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો પેદા થયા છે. ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં જાહેર રસ્તાઓ પર તલવાર અને ડંડાઓથી મારપીટ થતાં સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આપણ વાંચો: રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત્ઃ ટેક્સીચાલક પર કર્યો જીવલેણ હુમલો…

અસામાજિક તત્વોના ટોળાએ ઘાતકી હુમલો

મળતી વિગતો અનુસાર છોટાલાલ અને મરિયમ બીબી ચાલી નજીક બનેલી આ ઘટનામાં દારૂ અને જુગારના અડ્ડાઓને લઈને જૂની અદાવત રાખીને એક યુવક પર અસામાજિક તત્વોના ટોળાએ ઘાતકી હુમલો કર્યો હતો.

હુમલાખોરોએ યુવક પર ડંડા અને તલવાર વડે ઘા કર્યા હતા. હુમલાનો ભોગ બનેલો યુવક પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો ત્યારે તે બાઈક અને મોપેડ પર પણ પટકાયો હતો.

આપણ વાંચો: અસામાજિક તત્વોથી દૂર રહો, અજિત પવારનો બીડમાં કાર્યકર્તાઓને સંદેશ

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ સમગ્ર ઘટનાનો મોબાઈલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, યુવક મોપેડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકવામાં આવ્યો અને ગણતરીની સેકન્ડોમાં જ તેના પર તલવાર અને ડંડાથી હુમલો કરી દેવામાં આવ્યો.

હુમલાખોરોએ યુવકને પકડી-પકડીને માર્યો હતો જેના કારણે તે વારંવાર બાઈક અને મોપેડ પર પટકાયો હતો. એક મહિલા વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતી પણ વીડિયોમાં જોવા મળી હતી.

ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો

આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જાહેરમાં થયેલી આ ઘાતકી હિંસા અને તલવાર વડે હુમલાની ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્ન ઊભો કર્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button