ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: ધો. 9 થી 12ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંતોનો સમાવેશ

અમદાવાદ: આ શૈક્ષણિક વર્ષથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12 ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્ય આધારિત પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં બે-બે નવા પ્રકરણો ઉમેર્યા છે.
આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો છે, જે ભારતીય પરંપરાગત જ્ઞાન પ્રણાલી સાથે શિક્ષણને જોડવાના રાજ્યના પ્રયાસોનો એક ભાગ છે.
આપણ વાંચો: ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ; આજથી DEO ડમી વિદ્યાર્થીઓ શોધશે…
ગુજરાત સરકારે કેન્દ્ર દ્વારા ઘડવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના માળખા હેઠળ આ નિર્ણય લીધો હતો. ગયા વર્ષે, સરકારે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતા પર એક પૂરક પાઠ્યપુસ્તક પણ રજૂ કર્યું હતું. જેનો હેતુ વિદ્યાર્થીઓને ભારતની “સમૃદ્ધ, વૈવિધ્યસભર અને પ્રાચીન સંસ્કૃતિ” સાથે જોડવાનો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, ધોરણ 9-12 માટેના પ્રકરણોનો ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં સીધો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ માટે પૂરક પુસ્તિકાઓ તૈયાર કરવામાં આવી છે.
હિન્દી પ્રથમ ભાષામાં, નવા પ્રકરણોમાં ધોરણ 9 માટે માર્ગદર્શિકા ગીતા અને ભગવદ્ ગીતા ઔર મૈં, ધોરણ 10 માટે સમર્પણ અને દેશભક્તિ કી સંજીવની; ધોરણ 11 માટે પરમ સુખ કે સોપાન અને ત્રિવેણી, ધોરણ 12 માટે વૈશ્વિક ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ભારતીય શાશ્વત મૂલ્ય ઔર ગીતાનો સમાવેશ થાય છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ સામગ્રી, સુધારેલી પરીક્ષા બ્લુપ્રિન્ટ અને અભ્યાસક્રમ યોજના સાથે શાળાઓમાં વિતરિત કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 ની નવી પરીક્ષા પદ્ધતિમાં હવે આ સામગ્રી પર આધારિત 3-4 ગુણના પ્રશ્નોનો સમાવેશ થશે.
અભ્યાસક્રમમાં અન્ય ફેરફારોમાં, કૃષિને પ્રોત્સાહન આપવા માટે ધોરણ 12 ના અર્થશાસ્ત્રના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી પર એક પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધોરણ 9 થી 12 માટેના કમ્પ્યુટર અભ્યાસક્રમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. નવી પરીક્ષા પદ્ધતિ તાત્કાલિક લાગુ કરવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયો સહિતના સંપૂર્ણ નવા પાઠ્યપુસ્તકો આવતા શૈક્ષણિક વર્ષથી ધોરણ 9 અને 11માં રજૂ કરવામાં આવશે.