અમદાવાદ

અમદાવાદમાં પતિએ પત્નીને જાહેરમાં છરીના ઘા ઝીંક્યા, 2024માં જ કર્યા હતા પ્રેમ લગ્ન

અમદાવાદઃ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. નિકોલ વિસ્તારમાં પતિએ જાહેરમાં જ પત્નીને છરીના ઘા માર્યા હતા. બનાવના પગલે ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે સાંજે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

શું છે મામલો ?

સોમવારે સાંજે પતિએ પત્નીને વાળ પકડીને જાહેર રોડ પર ઢસડી હતી અને બાદમાં ગળામાં તેમજ શરીર પર ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા. હુમલા સમયે ત્રણ વ્યક્તિએ વચ્ચે પડીને છોડાવવાનો પ્રયાસ કર્યો છતાં પતિએ પત્નીને છોડી નહોતી અને મારતો રહ્યો હતો. હાલમાં યુવતીની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર છે. તબીબોએ ગળા-ખભાના ભાગે 75 ટાંકા લીધા હતા.

આ યુવતીએ આશરે દોઢ-બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સાથે રહેતા હતા. જોકે, સાસરિયા પક્ષના કથિત ત્રાસને કારણે મહિલા છેલ્લા ચાર મહિનાથી તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. પીડિત મહિલાએ અગાઉ પણ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદો નોંધાવી હતી. ઘટનાના દિવસે મહિલા કોઈ અંગત કામે બહાર નીકળી હતી. તે સમયે પતિએ તેને રોકી હતી અને તેના પર તૂટી પડ્યો હતો. છરીના ઘાના કારણે સ્થળ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.

આ રીતે યુવતીને થયો હતો પ્રેમ

બે વર્ષ પહેલાં કૃષ્ણનગર ખાતે રહેતો યુવક પીડિત યુવતીના ઘરે આવ્યો હતો. યુવકની માતા ટૂરનું કામ કરતી હોવાથી તે અવારનવાર યુવતીના ઘરે આવતી હતી. યુવકે યેન કેન પ્રકારેણ યુવતીનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ફોન પર વાતો કરવાની શરૂ કરી હતી. જોતજોતાંમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થઈ જતાં તેમને 29 જાન્યુઆરી, 2024ના રોજ પ્રેમલગ્ન કરી લીધા હતા. પ્રેમલગ્ન કર્યા બાદ યુવતી સાસરીમાં રહેવા માટે જતી રહી હતી. યુવતીને એક વર્ષ સુધી સાસરિયાંએ સારી રીતે રાખી હતી, પરંતુ બાદમાં નાની-નાની બાબતે મેણાટોણા મારવાના શરૂ કરી દીધા હતા. સાસરિયા યુવતીને એટલી હદ સુધી માનસિક ત્રાસ આપતા હતા તે સમગ્ર હકીકત તેના પતિને કહી દેતી હતી. પતિ પણ પત્નીનો સાથ ન આપીને તેની સાથે મારઝૂડ કરતો હતો. એક સમયે યુવતી પર હુમલો કરીને સાસરિયાંએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

યુવતીએ શું કહ્યું

યુવતીએ જણાવ્યું હતું કે મારા પતિને છૂટાછેડા આપવા હતા, પરંતુ મેં ના પાડી હતી, જેથી મારા પતિએ મારા પર પાછળથી હુમલો કર્યો હતો. એ બાદ મારું ગળું કાપી નાખ્યું હતું. લોકોએ મને છોડાવી હોસ્પિટલ મોકલી હતી.

આપણ વાંચો:  જાતિ વિરુદ્ધ અપશબ્દો-ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં અમરેલી તાલુકા ભાજપ પ્રમુખનું પદ પરથી રાજીનામું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button