વકીલો માટે મહત્ત્વના સમાચાર: ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ આ તારીખે યોજાશે

અમદાવાદ: વકીલાતની પ્રેક્ટિસ કરવા ઇચ્છતા ઉમેદવારો માટે કામના સમાચાર છે. વકીલો માટે ફરજિયાત ગણાતી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE) 30 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં યોજાશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) દ્વારા લેવાતી આ પરીક્ષા વકીલાતનો વ્યવસાય શરૂ કરવા માટે પાસ કરવી આવશ્યક છે.
રાજ્યમાં 10 હજારથી વધુ વકીલ ઉમેદવારો આપશે પરીક્ષા
ગુજરાતભરમાંથી આશરે 10 હજારથી વધુ વકીલ ઉમેદવારો આ પરીક્ષામાં બેસશે. ગુજરાતમાં મુખ્યત્વે અમદાવાદ (છ જુદા-જુદા કેન્દ્રો), સુરત અને રાજકોટના કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 2010 પછી જે પણ ઉમેદવારોએ એલએલબી (LLB) પાસ કર્યું હોય, તેમણે વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ તે વકીલ દેશની કોઈપણ કોર્ટમાં કાયમ માટે પ્રેક્ટિસ કરી શકે છે.
ક્યારે પાસ કરવાની હોય છે પરીક્ષા
એલએલબી પાસ કર્યાના બે વર્ષમાં આ પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યાં સુધી ઉમેદવારને પ્રેક્ટિસ માટે કામચલાઉ સનદ આપવામાં આવે છેઆ પરીક્ષા દેશભરમાં એકસાથે લેવાય છે અને કુલ નવ ભાષામાં તેનું આયોજન કરવામાં આવે છે.
અભ્યાસક્રમ
આ પરીક્ષામાં ભારતીય નાગરિક સંહિતા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ગ્રાહક સુરક્ષા ધારો, લેબર લો, આઇટી એક્ટ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ સહિતના 20 જેટલા કાયદાકીય વિષયો પર પ્રશ્નપત્ર પૂછવામાં આવે છે.બીસીઆઇ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલમાં વકીલ ઉમેદવારોને વિવિધ કેન્દ્રોમાં પ્રવેશ માટેના એડમિટ કાર્ડ્સ આપવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ પરીક્ષાનું પરિણામ લગભગ 40 થી 50 દિવસમાં જાહેર થવાની સંભાવના છે.



