ગુજરાત હાઈ કોર્ટનો મહત્વનો નિર્ણય: કોર્ટની કાર્યવાહીમાં ગુજરાતી ભાષામાં દલીલો કરવાની માંગ ફગાવી

હાઈ કોર્ટની સત્તાવાર ભાષા માત્ર અંગ્રેજી છે, ગુજરાતીમાં દલીલોથી કામગીરીમાં અવરોધ આવી શકે: ચીફ જસ્ટિસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ‘મારી ભાષા, મારો ન્યાય’ની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે, ત્યારે તાજેતરમાં જ ગુજરાત હાઈ કોર્ટે અદાલતી કાર્યવાહીમાં ગુજરાતી ભાષામાં દલીલો કરવાની મંજૂરી માંગતી એક અરજીને ફગાવી દીધી હતી.
હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રાયની ખંડપીઠે રાજકોટના એક વૃદ્ધ અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી આ રિટ પિટિશનને રદ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, હાઈ કોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે જો ગુજરાતીમાં દલીલોની મંજૂરી આપવામાં આવે તો અદાલતી કામગીરીમાં અવરોધ ઊભો થઈ શકે છે, કારણ કે કોર્ટના તમામ પ્રશ્નો અને અંતિમ આદેશો માત્ર અંગ્રેજીમાં જ જારી કરવામાં આવે છે.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હાઈ કોર્ટની લીગલ સર્વિસ કમિટીએ નોંધ્યું હતું કે માત્ર ધોરણ ૧૦ પાસ અરજદાર પોતાની રજૂઆત કરવા માટે સક્ષમ નથી, કારણ કે તેઓ અંગ્રેજી ભાષામાં અસરકારક સંવાદ સાધવા કે કાયદાકીય બાબતો સમજવામાં અસમર્થ હતા.
અરજદારે એવી દલીલ કરી હતી કે તેઓ જિલ્લા અદાલતોમાં ગુજરાતીમાં દલીલો કરી શકે છે, તેથી તેમને હાઈ કોર્ટમાં પણ મંજૂરી મળવી જોઈએ. જોકે, ખંડપીઠે આ દલીલ માન્ય રાખી ન હતી અને કાયદાકીય મર્યાદાઓનો હવાલો આપ્યો હતો.
ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે હાઈ કોર્ટની સુનાવણીમાં વિશિષ્ટ કાયદાકીય શબ્દાવલિનો ઉપયોગ થતો હોય છે, જે સમજવી સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ હોઈ શકે છે. આથી, કોર્ટે અરજદારને જાતે હાજર રહીને દલીલો કરવાને બદલે કાયદાકીય સહાય મેળવવાની અને વકીલ મારફતે રજૂઆત કરવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો ગુજરાતના ૨૬૬૬ ગામને મળશે નવા પંચાયત ભવનઃ સરકારે લીધો મહત્વનો નિર્ણય



