ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ પડશે એસી, કૂલરની જરૂર; ઉનાળામાં ગરમી ગાભા કાઢશે

અમદાવાદઃ રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો તથા બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોને તાપ આકરો લાગી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ફેબ્રુઆરી મહિનામાં પણ એસી અને કૂલરની જરૂર પડી શકે છે.
આ દરમિયાન રાજ્યના ચાર શહેરોનું તાપમાન 35 ડિગ્રીને પાર થઈ ગયું છે. વેરાવળ, રાજકોટ, સુરત, વડોદરામાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં પણ રાજ્યમાં જો આવી સ્થિતિ રહેશે તો આ વર્ષનો ઉનાળો આકરો રહેશે.
આ પણ વાંચો : અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર થયું, કોર્પોરેટરનાં બજેટમાં 40 લાખનો વધારો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 19 ફેબ્રુઆરીથી ગરમીથી શરૂઆત થશે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ રોગીષ્ટ હવામાન રહેશે. હજુ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જેના કારણે ફરી લઘુત્તમ તાપમાન વધશે. ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.