અમદાવાદમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું: ગેસ્ટ હાઉસમાંથી 3 મહિલાઓની ધરપકડ | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું: ગેસ્ટ હાઉસમાંથી 3 મહિલાઓની ધરપકડ

અમદવાદ: અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાવળા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ગર્ભપાત રેકેટનો પર્દાફાશ કર્યો હતો. SOGએ આરોગ્ય વિભાગની ટીમ સાથે મળીને એક ગેસ્ટ હાઉસ પર દરોડા પડ્યા હતાં. આ મામલે પોલીસે ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસને સ્થળ પરથી એક ભ્રૂણ પણ મળી આવ્યું હતું.

પોલીસને બાતમી મળી હતી કે પનામા ગેસ્ટ હાઉસના રૂમ નંબર 105માં કોઈપણ મેડિકલ પ્રેક્ટિસ વિના ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ચાલી રહ્યું છે. બાતમીના આધારે, પોલીસે તાલુકા આરોગ્ય અધિકારી અને બાવળાના શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ આરોગ્ય વિભાગની ટીમ સાથે ગેસ્ટ હાઉસ પર દરોડો પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 33 અઠવાડિયાની ગર્ભવતી સગીરાને ગર્ભપાતની મંજૂરી! ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

ઘટનાસ્થળે ત્રણ મહિલાઓ મળી આવી હતી, જેમાંથી એકનો દરોડાના થોડા સમય પહેલા ગર્ભપાત થયો હતો. ઘટનાસ્થળેથી એક ભ્રૂણ પણ મળી આવ્યું હતું. જેથી પુષ્ટિ થઇ હતી કે અહીં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ચાલી રહ્યું છે.

અહેવાલ મુજબ ત્રણેય મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ, 1971 ની કલમો હેઠળ બાવળા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ વધુ નાણા કમાવવાના લાલચે ધોળકાની રહેવાસી એક મહિલાએ ગેસ્ટ હાઉસનો રૂમ ભાડે રાખીને ગેરકાયદે ગર્ભપાત કરાવવાનો ગોરખધંધો શરુ કર્યો હતો. ગર્ભપાત માટે મોટી રકમ વસૂલવામાં આવી આવતી હતી. પોલીસની પુછપરછમાં આરોપી મહિલાએ કબૂલ્યું કે તેમની પાસે મેડિકલ ડિગ્રી નથી, પરંતુ તેમણે નર્સિંગનો કોર્ષ કર્યો છે અને અગાઉ ધોળકાની એક હોસ્પિટલમાં કામ કરતી હતી. આરોપી મહિલા અગાઉ ઘણા ગર્ભપાત કરાવી ચુકી હોવાની શંકા છે.

આ રેકેટમાં હજુ ઘણા લોકો સંડોવાયેલા હોવાની પોલીસને શંકા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત લેખો

Back to top button