આયુર્વેદિક દવા સસ્તામાં ખરીદવાની લાલચ આપે તો ચેતી જાજો, વાંચો આ કિસ્સો

અમદાવાદઃ ગુજરાત સહિત આઠ રાજ્યના લોકોને આયુર્વેદિક દવા અને કેમિકલ સસ્તા ભાવે આપવાના બહાને ઓનલાઈન છેતરપિંડી કરતી નાઈજીરિયન ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. અમદાવાદના યુવકને આયુર્વેદિક દવા મોકલવાના નામે 32 લાખ પડાવી ચુકેલી ટોળકીને છ લોકોને મુંબઈ અને બેંગ્લોરથી ઝડપી પાડવામાં આવ્યા હતા.ઓનલાઈન ઠગાઈની 112 ફરિયાદોમાં વોન્ટેડ ટોળકીને મુંબઈ-બેંગ્લોરથી સાયબર સેલે ઝડપી હતી. 10 થી 20 ટકા કમિશનથી કામ કરતા હતા. આ ગેંગ પર અમદાવાદના એક નાગરિકને હોમિયોપેથિક દવાના વેપારના બહાને રૂ.32 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. પોલીસે મુંબઈ અને બેંગલુરુથી નાઇજિરિયન નાગરિક મેડુફોર સ્ટીવ ઉઝોચી સહિત કૃષ્ણમતી ચૌધરી, મહેશ ચૌધરી, સલીમ શેખ, ત્રિજુગીલાલ કુર્મી અને રાજેશકુમાર સરોજની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી નિહાર વર્માનો કેટલાક શખ્સોએ આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓનલાઇન સંપર્ક કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તેઓ ભારતમાં ‘યુપેટોરિયમ મર્કોલા લિક્વિડ’ નામની હોમિયોપેથિક દવાના સપ્લાયરની શોધમાં છે, જેનો કથિત ઉપયોગ આફ્રિકામાં મેલેરિયા અને ડેન્ગ્યુની સારવારમાં થાય છે. આરોપીઓએ વર્માને એક નફાકારક બિઝનેસના પ્રસ્તાવની લાલચ આપી હતી. જેમાં તેમને શર્મા એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરિંગ નામના ભારતીય વિક્રેતા પાસેથી ડૉલર 6,500 પ્રતિ લિટરના ભાવે દવા ખરીદીને તે જ દવા ‘આફ્રિકન ખરીદદાર’ને ડૉલર 11,000 પ્રતિ લિટરે વેચવાની ઓફર કરાઈ હતી.
શરુઆતમાં નિહાર વર્માને વિશ્વાસ અપાવવા માટે શર્મા એન્ટરપ્રાઇઝના સેલ્સ રિપ્રેઝન્ટેટિવ તરીકે જયદેવ નામના વ્યક્તિએ એક લિટર લિક્વિડનું પાર્સલ મોકલ્યું. નિહાર વર્મા દિલ્હીમાં એક કથિત આફ્રિકન લેબ સાયન્ટિસ્ટને પણ મળ્યા, જેણે સેમ્પલને ‘મંજૂરી’ આપી હતી. ત્યારબાદ વિશ્વાસમાં આવી નિહાર વર્માએ મોટો ઓર્ડર આપ્યો અને ઍડ્વાન્સ પેમેન્ટ તરીકે રૂ.27 લાખ આરોપીઓ દ્વારા શેર કરાયેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. જોકે, જ્યારે તેઓ કન્સાઇનમેન્ટ લેવા રાજસ્થાનના ભીલવાડા ગયા, ત્યારે તેમને જાણ થઈ કે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં નિહાર વર્માએ તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
આપણ વાંચો: રાજ્યમાં શિયાળો જામ્યો, ગાંધીનગરમાં નોંધાયું માત્ર આટલું તાપમાન



