અમદાવાદ

72 કલાકમાં ડીએનએ દ્વારા મૃતદેહોની ઓળખ: 22 મહિલા નિષ્ણાત સહિત 54 નિષ્ણાતો રહ્યા ખડેપગે

અમદાવાદ: ૧૨ જૂનના રોજ અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહત-બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું, ત્યાં એક અદ્રશ્ય છતાં અત્યંત મહત્વપૂર્ણ ટીમ પણ પોતાના કર્તવ્યપથ પર અડગ હતી – ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ. FSLની ટીમે સંવેદના અને વિજ્ઞાનના સંગમનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે. આ દુર્ઘટના સમયે ઘટનાસ્થળ પર ચારેબાજુ વિમાનના કાટમાળ વચ્ચેથી મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરવી એ ખૂબ જ મોટો પડકાર હતો.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ માત્ર ગણતરીની ક્ષણોમાં જ FSLની ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ ઘટનાની ભયાવહતા સમજાઈ ગઈ હતી. મૃતદેહો અને માનવ અવશેષોને રાહત-બચાવ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી રહ્યા હતા. આવા કપરા સમયે FSLની ટીમે સિવિલ હોસ્પિટલ સાથે સંકલન સાધીને તુરંત જ હોસ્પિટલ ખાતે પહોંચી રહેલા મૃતદેહ, માનવ અવશેષોમાંથી DNA પરીક્ષણ માટેના નમૂના લેવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી.

અન્ય FSLની ટીમને પણ બોલાવવામાં આવી

આ સંદર્ભે ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ એચ. પી. સંઘવીએ કહ્યું હતું કે, મૃતકોની DNA પ્રોફાઈલીંગ દ્વારા ઓળખની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને પાર્થિવ દેહ તેમના પરિવારજનોને ઝડપથી સોંપી શકાય તે માટે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તમામ FSL ટીમોને તુરંત જ ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવી હતી.

તેમણે આગળ કહ્યું કે, “ઓળખ ન થઈ શકે તેવા અવશેષોમાંથી એકત્ર કરાયેલા DNA સેમ્પલનું પરીક્ષણ જટીલ હોવાથી મૃતકોના દરેક સેમ્પલને કાળજીપૂર્વક FSL-ગાંધીનગરની લેબમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે, મૃતકોના સગા-સંબંધીઓના DNA સેમ્પલ એકત્ર કરવાથી લઈને DNA પ્રોફાઈલીંગની કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે શરુ કરવામાં આવી હતી. આ બંને જગ્યાએ મળીને કુલ ૫૪ DNA નિષ્ણાતોની ટીમ દ્વારા દિવસ-રાત મૃતકો તેમજ તેમના સગા-સંબંધીઓના DNA પ્રોફાઈલીંગ-મેચિંગ માટેના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે.”

દિવસ રાત જોયા વગર સતત કામમાં વ્યસ્ત

વધુમાં જણાવ્યા મુજબ FSLના યુવાન અને ઉત્સાહી વૈજ્ઞાનિકો, ટેકનિશિયનો અને સહાયકોની ટીમ આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઊંઘ, આરામ અને પરિવારને ભૂલીને દિવસ રાત જોયા વગર DNA પ્રોફાઇલિંગ જેવી ફોરેન્સિક તકનીકોનો ઉપયોગ કરીને મૃતદેહોને તેની સાચી ઓળખ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. FSLના ૫૪ DNA નિષ્ણાતો પૈકી ૨૨ નિષ્ણાત મહિલાઓ છે. જેમાંથી ઘણી મહિલાઓ પોતાના ત્રણ વર્ષ કરતા પણ નાના બાળકની સારસંભાળની જવાબદારી હોવા છતાં લેબમાં છેલ્લા ચાર દિવસથી મૃતકોને ઓળખ આપવાની કામગીરી કરી રહી છે.

કામગીરી પ્રત્યે વધુ પ્રતિબદ્ધતાનો દાખલો

તેમણે જણાવ્યું હતું કે, “આવું જ એક ઉદાહરણ એક DNA નિષ્ણાતનું છે, જેમની માતાનું હૃદય માત્ર ૨૦ ટકા જ કાર્ય કરી રહ્યું હોવાથી તેમની તાત્કાલિક સર્જરી થવાની હતી. છતાં પણ આ અંગત મુશ્કેલીઓને બાજુમાં મૂકીને આ DNA નિષ્ણાતે મૃતકોના DNA પરીક્ષણની કામગીરી પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા દાખવી છે. FSL ખાતે દિવસ રાત કામ કરી રહેલી આ નિષ્ણાતોની ટીમ નિઃસ્વાર્થતા અને ફરજ પ્રત્યેના સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અત્રે નોંધનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતની FSL ટીમે મૃતકની ઝડપથી ઓળખ કરવાની કામગીરીને પ્લાનિંગ સાથે તેજ બનાવી હતી, જેના પરિણામે સ્વરૂપે FSLની ટીમને 72 કલાક કરતા પણ ઓછા સમયગાળામાં મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળતા મળી છે. બે દાયકા પહેલાના સમયમાં DNA પરીક્ષણથી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવામાં લગભગ 5 થી 10 દિવસ જેટલો સમય લાગતો હતો. જેની સામે અત્યારે ગુજરાતમાં ઉપલબ્ધ અદ્યતન FSL લેબ, DNA કામગીરી માટેની અદ્યતન મશીનરી અને નિષ્ણાતોની સક્ષમ ટીમના પરિણામે લગભગ 72 કલાકમાં જ મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી રહી છે.

આ પણ વાંચો…અમદાવાદ પ્લેન દુર્ઘટના: ચમત્કારિક રીતે બચેલા રમેશ વિશ્વાસનો નવો વીડિયો વાયરલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button