અમદાવાદ

અમદાવાદમાં પ્લેન ક્રેશ: અકસ્માતના મૂળ કારણ અંગે ક્યારે ખબર પડશે, જાણો હકીકત

અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં આજે મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ અને તેની સ્થિતિ જોઇને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. વિમાનમાં 242 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ સામેલ હતા.

આજે બપોરે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ટેકઓફ થઈ હતી. ટેકઓફના માત્ર પાંચ મિનિટની અંદર જ વિમાન મેઘાણીનગર નજીક એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું.

આપણ વાંચો: અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન દુર્ઘટના: અનેક ઈન્ટર્ન ડોક્ટરના મોતની આશંકા

ક્રેશ બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં બળતો કાટમાળ અને અફરા-તફરીનો માહોલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે,

હાલ મળતા અહેવાલો અનુસાર 150થી વધુ લોકોના મોતની આશંકા છે. ઘણા ઘાયલ યાત્રીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે સાત ફાયર બ્રિગેડ અને અનેક એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. વિમાને ક્રેશ થતા પહેલા મેડે કોલ મોકલ્યો હતો, જે દર્શાવે છે કે પાઇલટને કોઈ ગંભીર સમસ્યાનો અણસાર આવી ગયો હતો.

આપણ વાંચો: અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: બે જેટ વચ્ચે ટક્કર, એકનું મોત

બ્લેક બોક્સ શું છે અને શા માટે મહત્વનું છે?

જ્યારે પણ કોઈ વિમાન દુર્ઘટના થાય છે, ત્યારે તેની પાછળના સત્યને સામે લાવવામાં બ્લેક બોક્સની મહત્ત્વની ભૂમિકા હોય છે. બ્લેક બોક્સ ખરેખર બે ડિવાઇસનો સેટ છે – ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR). તેનો રંગ નારંગી હોય છે, જેથી દુર્ઘટનાના કાટમાળમાં તેને સરળતાથી શોધી શકાય.

FDR: વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનની સ્થિતિ અને અન્ય તકનીકી વિગતો રેકોર્ડ કરે છે.

CVR: પાઇલટ અને કંટ્રોલ રૂમ અથવા ક્રૂ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરે છે. વિમાનનો બ્લેક બોક્સ 1100 ડિગ્રી સેલ્સિયસની આગ, 6,000 મીટર ઊંડા સમુદ્ર અને ભારે ઝટકા સહન કરી શકે છે. તે 30 દિવસ સુધી સિગ્નલ મોકલતો રહે છે.

આપણ વાંચો: અમેરિકામાં વિમાન દુર્ઘટનાના મૃતકોમાં પ્રવાસી ભારતીય મહિલા સામેલઃ દોઢ વર્ષ અગાઉ થયા હતા લગ્ન…

બ્લેક બોક્સ કેવી રીતે મદદ કરે છે?

બ્લેક બોક્સથી દુર્ઘટનાના બરાબર પહેલાની સ્થિતિનો ખ્યાલ આવે છે – શું તકનીકી ખામી હતી, પાઇલટની ભૂલ હતી કે કોઈ બાહ્ય કારણ હતું.

અમદાવાદ દુર્ઘટનાનું સત્ય કેવી રીતે સામે આવશે?

આ દુર્ઘટનાની તપાસમાં બ્લેક બોક્સ સૌથી વધુ મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત, અન્ય ઘણા માધ્યમોથી પણ હકીકત સામે આવશે:

બ્લેક બોક્સ એનાલિસિસ: તપાસ એજન્સીઓ, જેમ કે DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) અને AAIB (એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો), બ્લેક બોક્સને શોધી કાઢશે. FDR થી ટેકઓફ દરમિયાન વિમાનની ગતિ, ઊંચાઈ અને એન્જિનની સ્થિતિનો ડેટા મળશે. CVR થી પાઇલટની છેલ્લી વાતચીત અને મેડે કોલની વિગતો સામે આવશે. બોઇંગ અને એર ઇન્ડિયાની ટેકનિકલ ટીમો પણ ડેટાનું વિશ્લેષણ કરશે.

ફોરેન્સિક તપાસ: ક્રેશ સાઇટ પર વિમાનના કાટમાળની તપાસ થશે. એન્જિન, પાંખો અને અન્ય ભાગોના ફોરેન્સિક અભ્યાસથી તકનીકી ખામી અથવા બાહ્ય નુકસાનનો ખ્યાલ આવશે.

એર ટ્રાફિક કંટ્રોલ (ATC) રેકોર્ડ્સ: ATC સાથે પાઇલટની વાતચીત અને મેડે કોલથી દુર્ઘટના પહેલાની સ્થિતિ સ્પષ્ટ થશે.
પોસ્ટમોર્ટમ અને મેડિકલ રિપોર્ટ્સ: મૃતકો અને ઘાયલોની મેડિકલ તપાસથી ઇજાઓ અને દુર્ઘટનાની તીવ્રતાનો અંદાજ લાગશે.

ઓફિશિયલ તપાસ કમિટી: સરકારે એક ઉચ્ચ-સ્તરીય તપાસ કમિટી બનાવી છે, જેમાં DGCA, AAIB અને બોઇંગના નિષ્ણાતો સામેલ હશે. આ કમિટી બધા પુરાવાઓને જોડીને દુર્ઘટનાનું કારણ જણાવશે.

દુર્ઘટનાના સંભવિત કારણો શું હોઈ શકે છે?

દુર્ઘટનાના સંભવિત કારણોમાં તકનીકી ખામી હોય શકે છે. બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં એન્જિન ફેલ્યોર અથવા કોઈ સિસ્ટમની ખામી હોઈ શકે છે. તે ઉપરાંત પાઇલટની ભૂલ એટલે કે CVR થી જાણવા મળશે કે પાઇલટે ટેકઓફ દરમિયાન કોઈ ભૂલ તો નથી કરી.

તે સિવાય બાહ્ય કારણ જેવા કે બર્ડ સ્ટ્રાઇક પણ સંભવિત કારણ હોઈ શકે છે. જો કે કેટલાક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાન એરપોર્ટની બાઉન્ડ્રીની બહાર પડ્યું, જેનાથી રનવે અથવા ટેકઓફ પ્રક્રિયાની પણ તપાસ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button