Top Newsઅમદાવાદ

કોમનવેલ્થ ગેમ્સ 2030નો કેટલા કરોડ થશે ઓપરેશનલ ખર્ચ? અપનાવાશે ‘મેલબોર્ન મોડેલ’

અમદાવાદઃ શહેરને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળ્યાની ગત સપ્તાહે સત્તાવાર જાહેરાત થઈ હતી. જે બાદ અમદાવાદમાં ગતિવિધિ તેજ થઈ હતી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. 2030 કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિએ આ ઈવેન્ટનો ઓપરેશનલ ખર્ચ ₹3,000 કરોડથી ₹5,000 કરોડ અંદાજ્યો છે. આ ઉપરાંત સમગ્ર ઈવેન્ટના સંચાલન માટે મેલબોર્ન મોડલ અપનાવાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેગા-ઇવેન્ટના કુલ ખર્ચને અંતિમ રૂપ આપવા માટે રમતગમત અને પબ્લિક યુટિલિટી બંને સુવિધાઓ સહિતના ઈન્ફ્રાસ્ટ્ર્કચર અપગ્રેડના ચાલી રહેલા અંદાજો પર હજી પણ કામ ચાલી રહ્યું છે. ગુજરાતે 2010ની દિલ્હી ગેમ્સના સંચાલનમાંથી “જરૂરી પાઠ” લીધા છે, જે માળખાકીય વિલંબ, ભ્રષ્ટાચારના આરોપો અને પ્રારંભિક અંદાજો કરતાં ઘણો વધી ગયેલા ખર્ચ સહિતના અનેક વિવાદોમાં સપડાઈ હતી. સૂત્રએ કહ્યું, અમદાવાદ CWG માટે સંચાલન ખર્ચ ₹3,000 થી ₹5,000 કરોડ થશે. આમાં અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણમાં ખર્ચ થનારા ભંડોળનો સમાવેશ થતો નથી.

ચોક્કસ અંદાજ ક્યારે આવશે?

તેમણે ઉમેર્યું કે, દેખીતી રીતે, જાહેર માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે થતો ખર્ચ ગેમ્સમાં ગણવામાં આવશે નહીં. કારણ કે તેની ઉપયોગિતા ગેમ્સ પછી પણ રહેવાની છે. આ થોડી લાંબી પ્રક્રિયા છે અને ચોક્કસ અંદાજ લગાવવા માટે થોડો સમય જોઈશે. ઇવેન્ટ દરમિયાન ગેટ ટિકિટ અને વ્યાવસાયિક સોદાઓ જેવા માર્ગોમાંથી થતી આવક દ્વારા આ ખર્ચને આંશિક રીતે સરભર કરી શકાય છે.

દિલ્હી કોમનવેલ્શ ગેમ્સનો ઓપરેશન ખર્ચ કેટલો હતો

2010ની ગેમ્સનો ઓપરેશનલ ખર્ચ ₹2,600 કરોડથી થોડો વધુ હતો, જે ₹635 કરોડના અંદાજ કરતાં ઘણો વધારે હતો. આ ગેમ્સ, જે અત્યાર સુધીની સૌથી મોંઘી બની રહી, તેનો કુલ ખર્ચ સરકારી તિજોરીને ₹70,000 કરોડથી વધુ થયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગત સપ્તાહે જ્યારે ગ્લાસગોમાં અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની આપવાની જાહેરાત થઈ ત્યારે ગુજરાતના મુખ્ય સચિવ (સ્પોર્ટ્સ) ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમણે બજેટ વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેમણે પુષ્ટિ કરી કે ગેમ્સ પછી વિસર્જન કરી શકાય તેવી, નોટ-ફોર-પ્રોફિટ કંપની તરીકે નોંધાયેલી આયોજન સમિતિ (OC) બનાવવાની યોજના વિચારણા હેઠળ છે. OC, જે કંપની હોવાના તેના દરજ્જાને કારણે વધુ ફાયનાન્સિયલ સ્ક્રૂટિનોનો સામનો કરશે, તેની રચના ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરી 2026ની શરૂઆત સુધીમાં થવાની અપેક્ષા છે.

તેમણે કહ્યું, આ એક એવું મોડેલ છે જે 2006ની મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સ દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને દિલ્હીમાં 2010 CWG પછી CAG દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. દિલ્હી ગેમ્સમાં શું થયું તેના પર હું ધ્યાન આપવા માંગતો નથી, પરંતુ મને લાગે છે કે પાઠ શીખવામાં આવ્યા છે. મેલબોર્ન આવૃત્તિને ઘણીવાર અત્યાર સુધીની શ્રેષ્ઠ CWG માંની એક તરીકે વર્ણવવામાં આવે છે, જેને તેના અમલ અને જાહેર ભાગીદારી માટે પ્રશંસા મળી હતી.

આ પણ વાંચો…અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ શરુ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન કરાયું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button