અમદાવાદમાં આત્મ વિલોપનનો પ્રયાસ કરનારી મહિલાની કેવી છે તબિયત?

અમદાવાદઃ શહેરના જશોદાનગર વિસ્તારમાં 14 ઓગસ્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીનો સ્થાનિક વેપારીઓએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન એએમસીની ટીમ એક દુકાન તોડવા ગઈ ત્યારે સ્થાનિકોએ ભેગા થઈને વિરોધ કર્યો હતો. આ દરમિયાન એક વેપારીની પત્નીએ કેરોસીન છાંટીને પોતાને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં આ મહિલાને અન્ય લોકો રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ રોકાયા નહોતા.
મહિલાને ગંભીર હાલતમાં મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 80 ટકાથી વધુ દાઝી ગયા હોવાથી તેમની હાલત ગંભીર છે. આ દરમિયાન વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે એએમસીના અધિકારીઓ ડિમોલિશન રોકવા માટે લાંચની માંગણી કરે છે. તેઓએ કહ્યું કે બે વાર પૈસા લીધા પછી પણ અધિકારીઓ ડિમોલિશન માટે આવ્યા હતા. વેપારીઓએ ગરીબ વેપારીઓને હેરાન કરવાનું બંધ કરવાની માંગ કરી હતી.
આ મુદ્દે વટવા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ, જશોદાનગર વેપારી એસોસિયેશનના બેનર હેઠળ વેપારીઓએ પીડિત મહિલાને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
શું છે સમગ્ર મામલો
પૂર્વ ઝોનનાં ડે.કમિશનરના જણાવ્યા અનુસાર, રામોલ-હાથીજણ વોર્ડમાં જશોદાનગર વિસ્તારમાં આવેલાં જયશ્રી કોમ્પ્લેક્સમાં ગેરકાયદે દુકાન બનાવવામાં આવતાં પૂર્વ ઝોન એસ્ટેટ ખાતા દ્વારા નોટિસો આપવામાં આવી હતી અને સીલ પણ મારવામાં આવ્યા હતા. જે તોડીને ફરી બાંધકામ ચાલુ કરી દેવાયું હતું. આથી ગેરકાયદે બાંધકામ તોડવા માટે એસ્ટેટ ખાતાએ વટવા પોલીસનો બંદોબસ્ત માગ્યો હતો, પરંતુ કોઇ કારણસર એસ્ટેટ ખાતાની ટીમ પોલીસ વગર સ્થળ પર પહોંચી જતાં વેપારીએ અને અન્ય લોકોએ મ્યુનિ. ટીમનો વિરોધ કર્યો હતો. દરમિયાન ગેરકાયદે દુકાનનાં વેપારીની પત્નીએ પોતાનાં શરીર ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં નાસભાગ મચી જવા પામી હતી અને લોકોએ મ્યુનિ. ટીમ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો.