અમદાવાદ

GST-2025: કઈ રીતે સુરત, વડોદરાને ક્યાંય પાછળ મૂકી અમદાવાદ આટલું આગળ નીકળી ગયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકનો મુખ્ય સ્ત્રોત ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ભરવામાં અમદાવાદ ગુજરાતમાં મોખરે છે. જોકે અમદાવાદ પછી આવતા સુરત અને વડોદરાની આવક વચ્ચે ઘણું જ અંતર છે. ત્યારે સવાલ એ છે કે અમદાવાદ સમૃદ્ધ ગણાતા સુરત કરતા જીએસટી ભરવામાં આટલું આગળ કઈ રીતે છે.

સ્ટેટ જીએસટી વિભાગે આપેલા આંકડા અનુસાર વર્ષ 2024-2025માં કુલ રૂ. 73, 277. 56 કરોડની વાર્ષિક આવક નોંધાઈ હતી, જેમાંથી અમદાવાદે રૂ. 33,722 કરોડ ઠાલવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ આંકડા પ્રમાણે શહેર રોદજના 93 કરોડ રૂપિયા રાજ્યની તિજોરીમાં ઠાલવે છે. એટલે કે રાજ્યની કુલ આવકનો અડધો હિસ્સો એકલા અમદાવાદથી આવે છે. અમદાવાદ બાદ સુરત અને વડોદરાનો ક્રમાંક છે, તેમ આંકડાઓ જણાવે છે.

અમદાવાદ અને સુરતમાં અનેક મોટા ઉદ્યોગ વ્યાપાર આવેલા છે. આ સાથે વડોદરા પણ વિકસિત શહેર છે. જોકે સમૃદ્ધ ગણાતા સુરતનો ક્રમ અમદાવાદ બાદ પછી છે. સુરતે વર્ષ 2024-25માં રૂા.6,689.51 કરોડનો જીએસટી ચૂકવ્યો છે, જે અમદાવાદથી ઘણો જ ઓછો છે. જ્યારે વડોદરા સુરતની નજીક છે. વડોદરાએ 5,873 કરોડનો જીએસટી ચૂકવ્યો હોવાનું આંકડા જણાવે છે.

અમદાવાદમાં ઘણી જ ઈન્ટરનેશનલ કંપનીના હેડ ક્વાટર્સ આવેલા છે. તેઓ પોતાના સમગ્ર બિઝનેસનો જીએસટી અહીંથી જ ભરતા હોય છે. આ સાથે અમદાવાદ મેન્યફેક્ચરિંગ યુનીટ્સનું હબ છે. ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ છે અને સમગ્ર રાજ્યના વેપારધંધાનું કેન્દ્ર છે. આથી ટેક્સટાઈલ્સ અને ડાયમન્ડ સિટી હોવા છતાં સુરત ઘણુ જ પાછળ છે. ત્યારે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ ધરાવતું વડોદરા પણ પાછળ છે. જોકે વડોદરા સુરતની સાથે કદમ મિલાવી રહ્યું છે, તે નોંધનીય છે.

જોકે ગુજરાત કૂદકે ને ભૂસકે પ્રગતિ કરતું હોવા છતાં દેશમાં મહારાષ્ટ્ર રૂા.3.60 લાખ કરોડ સાથે પ્રથમ સ્થાને છે. જયારે કર્ણાટક બીજા અને ત્રીજા નંબરે ગુજરાત રહ્યુ છે. જયારે તમીલનાડુ ચોથા અને હરીયાણા પાંચમાં સ્થાને જીએસટી આવકમાં આવે છે. આર્થિક વિકાસમાં ગુજરાતના બે સ્પર્ધક મહારાષ્ટ્ર અને કર્ણાટક છે. જોકે દેશ સહિત ગુજરાતમાં જીએસટી ચોરીના પણ મોટા કૌભાંડો બહાર આવ્યા છે ત્યારે હજુ દેશ અને રાજ્યની આવકમાં વધારો નોંધાઈ શકે તેમ છે.

આપણ વાંચો:  ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ના બનાય…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button