
અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની અને હેરિટેજ સીટી અમદાવાદ જ્યારે ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે વૈશ્વિક સ્તરે ઉભરી રહ્યું છે, ત્યારે હોટલ રૂમની સર્જાનારી અછત શહેરની મહત્વાકાંક્ષાઓ માટે મોટો પડકાર બની રહી હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે. નિષ્ણાતોના મતે, આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ, મીડિયા અને પ્રવાસીઓના રોકાણ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે ૬૦,૦૦૦ વધારાના હોટલ રૂમની જરૂર પડશે. જેનો અર્થ એ છે કે શહેરને લગભગ ૩૦૦ થી ૪૦૦ નવી હોટલ્સની જરૂર છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા દસ વર્ષમાં આ ક્ષેત્રમાં ક્ષમતા વધારવા માટે ખૂબ જ ઓછી કામગીરી થઈ છે.
આ સમસ્યા માટે ગુજરાતની ૨૦૧૬-૨૦૨૫ની હોટલ પોલિસીની નિષ્ફળતા અને તેની સમયસીમા પૂર્ણ થવાને જવાબદાર માનવામાં આવે છે. ઉદ્યોગના નિષ્ણાતો જણાવે છે કે છેલ્લા ૧૦ વર્ષમાં શહેરમાં ૧૦થી પણ ઓછી નવી હોટલો બની છે. જમીનના ઊંચા ભાવ અને બાંધકામ ખર્ચને કારણે હાલના રૂમ ભાડા મુજબ સ્વતંત્ર હોટલ પ્રોજેક્ટ્સ આર્થિક રીતે પોસાય તેમ નથી.
ડેવલપર્સના મતે, નવી હોટલના પ્રોજેક્ટ્સ માટે મંજૂરીથી લઈને તૈયાર થાય ત્યા સુધી સરેરાશ ૫.૫ વર્ષનો સમય લાગા જાય છે. જો સરકાર ૨૦૨૬ના અંત સુધીમાં નવી પોલિસી અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપે તો પણ નવી હોટલ્સ ૨૦૩૧માં ખુલે તેમ છે, જે કોમનવેલ્થ ગેમ્સ પૂર્ણ થયાના મહિનાઓ પછી હશે.
હાલમાં રાજ્યમાં કોઈ નવી હોટલ પોલિસી અમલમાં ન હોવાથી નવા પ્રોજેક્ટ્સ એક રીતે ફ્રીઝ થઈ ગયા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. ઉદ્યોગ જગતના અગ્રણીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો અમદાવાદે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ સફળતાપૂર્વક યોજવી હોય, તો તાત્કાલિક અને વધુ પ્રગતિશીલ હોટલ પોલિસીની જરૂર છે. ૨૦૩૦નો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે શહેરની સફળતાનો આધાર માત્ર ભવ્ય સ્ટેડિયમો પર નહીં, પરંતુ તે મહેમાનો માટે પૂરતા રૂમ બનાવી શકે છે કે નહીં તેના પર વધુ રહેશે.



