અમદાવાદ

હોમ લોન વધી પણ ખરીદીનો ઉત્સાહ ઘટ્યો, ઘર લેવાનું લોકો કેમ ટાળી રહ્યા છે?

અમદાવાદઃ રાજ્યમાં હોમલોન લેનારાની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ઘર ખરીદનારામાં ઉત્સાહ ઓછો છે. સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરના સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના ડેટા મુજબ, હોમ લોનના વિતરણમાં વાર્ષિક ધોરણે 14 ટકાનો વધારો થયો છે. હોમ લોનનું વિતરણ રૂ. 14,266 કરોડથી વધીને રૂ, 16,264 કરોડ પર પહોંચ્યું છે. જ્યારે લોન લેનારાની સંખ્યા માત્ર 7 ટકા વધીને 95, 532 થી 1.02 લાખ સુધી પહોંચી છે. આ વધતો તફાવત લોકો નવી પ્રોપર્ટીની ખરીદીમાં ઓછો રસ દાખવી રહ્યા હોવાનું સૂચવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગનું ધિરાણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મેટ્રો શહેરોમાં થાય છે. તમામ બજારોમાં નવા ઘરોની માંગમાં ઘટાડો થયો છે. સૌથી ખાસ વાત એ છે કે એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં સૌથી મોટો ઘટાડો થયો છે. આ ટ્રેન્ડ છેલ્લા કેટલાક મહિનાઓથી જોવા મળી રહ્યો છે.

આ પાઠળનું કારણ સમજાવતાં સૂત્રોએ જણાવ્યું કે, મધ્યમ આવક ધરાવતા અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓ, પ્રોપર્ટીના વધતા ભાવને કારણે ખરીદીમાં વિલંબ કરી રહ્યા છે. ડેવલપર્સના કહેવા પ્રમાણે, નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા હોવા છતાં, શહેરના અનેક પ્રોજેક્ટ્સમાં માંગ ઓછી છે.

એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં આની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આ સેગમેન્ટની એક સમયે ગુજરાતનું સૌથી વધુ માંગ હતી અને તેના કારણે જ નવા નવા પ્રોજેક્ટ લોન્ચ થતા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે, 3BHK અને 4BHK યુનિટ્સની માંગમાં ઘટાડો થયો છે અને પોષાય તેવા તેમજ પ્રીમિયમ હાઉસિંગ સેગમેન્ટ બંનેમાં ધીમી ગતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 આવવાની સાથે અમદાવાદમાં પ્રોપર્ટીની માંગ વધી શકે છે.

ઈન્કવાયરીમાં વધારો થવાનું શરૂ થઈ ગયું છે, અને કોચ અને ખેલાડીઓથી લઈને વિદ્યાર્થીઓ અને સપોર્ટ સ્ટાફ સુધીના આનુષંગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ એકંદરે હાઉસિંગ માંગને ઉપર લાવશે. એફોર્ડેબલ સેગમેન્ટમાં આવનારા દિવસોમાં નવી માંગ જોવા મળે તેવી અમને આશા છે.

બાંધકામ અને જમીનના ખર્ચમાં વધારો થતાં બજેટ ખરીદદારોની પહોંચમાંથી બહાર નીકળી ગયા છે, જેના કારણે પણ માંગ ઘટી છે. મુંબઈ સમાચારે તાજેતરમાં આ અંગે એક ટોક શો કર્યો હતો. જે મુજબ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ થયેલો રિડેવલપમેન્ટનો ધમધમાટ હવે ધીમો પડ્યો છે, રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા દોઢ-બે વર્ષથી ચાલી રહેલી મંદીને કારણે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં મકાનો નથી વેચાઈ રહ્યા તે જ રીતે હવે રિડેવલપમેન્ટમાં પણ બિલ્ડરોને રસ ઘટી રહ્યો છે કારણકે જે સોસાયટીઓને રિડેવલપ કરવામાં આવી છે તેમાં પણ મકાનો ન વેચાઈ રહ્યા હોવાથી બિલ્ડરોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. એક્સપર્ટ્સનું માનીએ તો આ જ ટ્રેન્ડને કારણે હવે બિલ્ડર્સ રિડેવલપમેન્ટ માટે નવી ડીલ કરતા અચકાઈ રહ્યા છે .

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button